- વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સતત ત્રીજીવાર ચૂંટણી રેસમાં
- આ ચૂંટણીમાં આશરે 17 મિલિયન મતદારો પોતાના મતદાધિકારનો પ્રયોગ કરશે
- વેનેઝુએલાના વિપક્ષના ઉમેદવારને ચૂંટણી લડતા રોકવામાં આવ્યા હતા
જગત જમાદાર એવા અમેરિકાના દક્ષિણ દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણી વેનેઝુએલા માટે ખૂબ મહત્ત્વના મનાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં આશરે 17 મિલિયન મતદારો પોતાન મતાધિકારનો પ્રયોગ કરશે. હવે જોવાનું એ છે કે દેશની જનતા વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સતત ત્રીજીવાર જીતાડશે કે ફરી મુખ્ય વિપક્ષના ઉમેદવાર એડમંડો ગોંઝાલેઝનું સમર્થન કરે છે.
અગાઉ, વિપક્ષે તાનાશાહ નિકોલસ માદુરો વિરુદ્ધ વર્ષ-2018ની રાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આનાથી માદુરોને ઉચ્ચ ફુગાવો અને વ્યાપક અછતના સમયે જીતવાની તક મળી. જોકે ચૂંટણીની સ્થિતિમાં ભાગ્યે જ કોઈ સુધારો જોવા મળ્યો છે. સાથે જ વિપક્ષી ગઠબંધનનું માનવું છે કે આ વખતે જનતા તાનાશાહની સરકારને ઉથલાવી દેશે.
રિટાર્યડ રાજદ્વારી એડમન્ડો ગોન્ઝાલેઝ વિપક્ષી ગઠબંધન યુનિટરી પ્લેટફોર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મતપત્ર પર ગોન્ઝાલેઝ એકમાત્ર પ્રતિસ્પર્ધી છે જે સત્તા પર માદુરોની પકડ માટે ખતરો પેદા કરી શકે છે. યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના નિકોલસ માદુરો 11 વર્ષથી દેશ પર શાસન કરી રહ્યા છે. ગોન્ઝાલેઝનો દાવો છે કે તેઓ આ ચૂંટણીમાં 25 વર્ષના એક પક્ષના શાસનનો અંત લાવવા જઈ રહ્યા છે.
વિપક્ષના ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવવામાં આવ્યા હતા
એડમન્ડો ગોન્ઝાલેઝ યુનિટરી પ્લેટફોર્મ એલાયન્સ માટે છેલ્લી ઘડીના આશ્ચર્યજનક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. છેલ્લું જૂન-2023માં, અગ્રણી ઉમેદવાર મારિયા કોરિના મચાડોને વેનેઝુએલાની સરકારે કથિત રાજકીય ગુનાઓ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિપક્ષે આ પગલાને રાજકીય માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તે જ સમયે, અમેરિકા, કેનેડા, બ્રિટન સહિત ઘણા દેશોએ તેની નિંદા કરી હતી.
નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ 10 જાન્યુઆરી 2025થી શરૂ થશે
વિપક્ષી ગઠબંધન યુનિટરી પ્લેટફોર્મના ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝ કહે છે કે માદુરોના અર્થતંત્રના ગેરવહીવટ પર વ્યાપક ગુસ્સો આ વખતે તેમની હારને સુનિશ્ચિત કરશે. તે જ સમયે, યુનાઇટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી (UNHCR) અનુસાર, દરરોજ લગભગ બે હજાર લોકો વેનેઝુએલામાં સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને શાસક સરકાર સામે અરાજકતા જોવા મળી રહી છે. વેનેઝુએલામાં 10 જાન્યુઆરી, 2025થી શરૂ થતા રાષ્ટ્રપતિ પદ માટે 28 જુલાઈના રોજ મતદાન ચાલુ છે.