હમાસના ચિફ ઇસ્માઇલ હાનિયા અને યાહ્યા સિનવાર સહિત સેંકડો ટોચના કમાન્ડરોના મૃત્યુ પછી પણ ગાઝા પર ઇઝરાયેલી હુમલા યથાવત છે. દક્ષિણ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટેના કેમ્પમાં રહેતા ઓછામાં ઓછા 21 લોકો બુધવારે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે આ વિસ્તારમાં "આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા" ટોચના હમાસ આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. જો કે, ઇઝરાયેલી સૈન્યએ કોઈ વધારાની માહિતી આપી ન હતી અને કહ્યું હતું કે તેણે આ હુમલામાં કોઈ નાગરિક જાનહાનિ ન થાય તેની ખાતરી કરવા માટે અત્યંત કાળજી લીધી હતી.
મુવાસી ટેન્ટ કેમ્પ પર થયેલો હુમલો બુધવારે ગાઝા પટ્ટીમાં થયેલા અનેક ઘાતક હુમલાઓમાંનો એક હતો. પેલેસ્ટિનિયન ડોકટરોના જણાવ્યા અનુસાર મધ્ય ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 10 વધુ લોકો માર્યા ગયા છે. હમાસના ઑક્ટોબર 2023ના હુમલા પછી લગભગ 14 મહિનાથી ચાલી રહેલા ગાઝામાં ઇઝરાયલના વિનાશક યુદ્ધના અંતના કોઈ સંકેત નથી. હમાસ હજુ પણ ઘણા ઇઝરાયેલી નાગરિકોને બાનમાં રાખે છે અને ગાઝાની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે અને જીવન ટકાવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય ખાદ્ય સહાય પર નિર્ભર છે.













