• નેતન્યાહુ ઈઝરાયેલના સૈનિકોને મળ્યા અને પ્રોત્સાહિત કર્યા
  • હમાસના વિનાશ સુધી યુદ્ધ ચાલુ રહેશે:ઇઝરાયેલના PM
  • અમે અહીં ગાઝા પટ્ટીમાં અમારા બહાદુર સૈનિકો સાથે છીએ

યુદ્ધવિરામને કારણે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ બંધ છે. પરંતુ હમાસ સામે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું વલણ હજુ પણ એ જ છે.  રવિવારે ઇઝરાયેલના પીએમ ગાઝામાં પ્રવેશ્યા અને વિશ્વને કહ્યું હતું કે, હમાસના વિનાશ સુધી યુદ્ધ ચાલુ રહેશે. નેતન્યાહુ તેના સહાયકો સાથે હાસમના વિસ્તારમાં પ્રવેશ્યા હતા. સૈનિકોને મળીને તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ હમાસના અંત સુધી ચાલુ રહેશે.

હમાસના પ્રદેશમાં બેન્જામિન નેતન્યાહુ

ગાઝામાં ઈઝરાયેલના નિયંત્રણના સ્પષ્ટ સંકેતમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે પોતાના વરિષ્ઠ સહયોગીઓ સાથે હમાસ શાસિત વિસ્તારમાં પ્રવેશ કર્યો અને ઈઝરાયેલના સૈનિકોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન તેમણે 'અંત સુધી' લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. એક સત્તાવાર અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેતન્યાહુએ કમાન્ડરો અને સૈનિકો પાસેથી સુરક્ષા બ્રીફિંગ મેળવ્યું હતું અને ટનલની મુલાકાત લીધી હતી.

નેતન્યાહુએ શું કહ્યું?

નેતન્યાહૂએ કહ્યું હતું કે, 'અમે અહીં ગાઝા પટ્ટીમાં અમારા બહાદુર સૈનિકો સાથે છીએ. અમે અમારા બંધકોને પાછા લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ અને અંતે અમે તે બધાને પાછા લાવીશું. આ યુદ્ધમાં અમારા ત્રણ ધ્યેયો છે હમાસને નષ્ટ કરવા, અમારા તમામ બંધકોને મુક્ત કરવા અને ગાઝા ફરી ક્યારેય ઈઝરાયેલ માટે ખતરો ન બને તેની ખાતરી કરવી. ઈઝરાયેલના વડાપ્રધાનની સાથે ચીફ ઓફ સ્ટાફ ઝાચી બ્રેવરમેન અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ડાયરેક્ટર ઝાચી હાનેગ્બી સહિત અનેક અધિકારીઓ હતા.

હમાસે 17 બંધકોને મુક્ત કર્યા

તો બીજી તરફ, હમાસના આતંકવાદીઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા. આમ હમાસે બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યા છે. રેડ ક્રોસના પ્રતિનિધિઓએ રવિવારે મોડી રાત્રે મુક્ત થયેલા જૂથને ગાઝાની બહાર ખસેડ્યું. કેટલાકને સીધા ઇઝરાયેલને સોંપવામાં આવ્યા હતા જ્યારે અન્ય ઇજિપ્તમાંથી પસાર થયા હતા. સેનાએ જણાવ્યું હતું કે બંધકોમાંથી એકને સીધો ઇઝરાયેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

50 બંધકો અને 150 પેલેસ્ટિનિયો મુક્ત

કરાર હેઠળ, ઇઝરાયેલ રવિવારે 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું હતું. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે હમાસે પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા હતા. ચોથા જૂથનું વિનિમય ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર હેઠળના છેલ્લા દિવસે સોમવારે થવાની ધારણા છે. કરાર હેઠળ કુલ 50 બંધકો અને 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવનાર છે.

  • Follow us on: