અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા બાદ અબજપતિ એલન મસ્ક શક્તિશાળી બનીને ઊભર્યા છે. ટ્રમ્પ સરકારમાં પણ એલન મસ્ક મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે એવી સ્થિતિમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં એલન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે?
તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે નિયમોના આધાર ટાંક્યા હતા. એરિઝોનાના ફિનિક્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવેલું કે શું એલન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે? તો તેના જવાબમાં ટ્રમ્પે સીધો જવાબ આપતાં કહ્યું, ના, એવું નહીં થાય. ટ્રમ્પે કહ્યું કે, શું તેમ જાણો છો કે તેઓ રાષ્ટ્રપતિ કેમ ન બની શકે? હકીકતમાં તેઓ અમેરિકામાં નથી જન્મ્યા.ઉલ્લેખનીય છે કે અમેરિકાના બંધારણ અનુસાર જે વ્યક્તિ અમેરિકામાં જન્મી ન હોય તે અમેરિકાના રાષ્ટ્રપતિ ન બની શકે. એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.










