- ભારતીયો સાથે અન્ય ઇઝરાયેલ સંરક્ષણ દળની રચના કરી શકાય :ઇઝરાયેલના રાજદૂત
- દરેક જણ મને કહે છે કે હું ઇઝરાયલ માટે જઈને લડવા માંગુ છું
- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલુ
ઈઝરાયેલ-હમાસના યુદ્ધનું 7 ઓક્ટોબરે રણશિંગુ ફુકાયું હતું. આ દરમિયાન શુક્રવારે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ઇઝરાયેલને આપવામાં આવેલા સમર્થન બદલ ભારતીય લોકોનો આભાર માન્યો હતો. ગિલોને કહ્યું હતું કે, 'અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અમને જે સમર્થન મળી રહ્યું છે તે અમે ક્યારેય ભૂલીશું નહીં. દરેક જણ મને કહે છે કે હું ઇઝરાયલ માટે જઈને લડવા માંગુ છું. આ મજબૂત સમર્થન મારા માટે અભૂતપૂર્વ છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચેની નિકટતા એવી છે જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.' ઇઝરાયેલને ભારતીયો તરફથી મળી રહેલા સમર્થન અંગે રાજદૂત નાઓર ગિલોને કહ્યું હતું કે, તેઓ ભારતીય સ્વયંસેવકો સાથે 'બીજી IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) ઊભી કરી શકે છે.'
સાથે જ એ પણ જણાવ્યું હતું કે, તેમને ઈઝરાયેલને સમર્થન આપવા માટે ઘણા મંત્રીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના ફોન આવ્યા છે. ભારતીયો સાથે અન્ય ઇઝરાયેલ સંરક્ષણ દળની રચના કરી શકાય છે.' પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે 7 ઓક્ટોબરની સવારે ઇઝરાયેલના સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ રોકેટ હુમલાઓ શરૂ કર્યા હતા. હમાસ દ્વારા લગભગ 7000 રોકેટ છોડવામાં આવ્યા હતા. તેમજ હમાસના લડવૈયાઓએ ગાઝા બોર્ડર પરની સુરક્ષા વાડ તોડીને ઈઝરાયેલની સીમામાં ઘુસણખોરી કરી હતી. તેઓએ બંદૂકો અને તીક્ષ્ણ હથિયારો વડે નિર્દોષ નાગરિકો પર ઘાતક હુમલા કર્યા. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓના હુમલામાં તેના 1300થી વધુ નાગરિકો માર્યા ગયા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલુ
પોતાના પર થયેલા હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ઈઝરાયેલની વાયુસેના સતત 7 દિવસથી ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે તેના ઘરમાં ઘૂસેલા હમાસના 1500 આતંકવાદીઓને મારી નાખ્યા છે. તે જ સમયે, ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓક્ટોબરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત 'તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદની નિંદા કરે છે'. 'ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂતીથી ઉભા છે.'
ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા પર સરકારનું ધ્યાન
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું ધ્યાન ઈઝરાયેલમાંથી એવા ભારતીયોને પરત લાવવા પર છે જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાછા ફરવા માંગે છે. ભારત સરકારનું આ નિવેદન અગાઉના નિવેદનો બાદ આવ્યું છે જેમાં ઈઝરાયેલ માટે સ્પષ્ટ સમર્થનની ઓફર કરવામાં આવી હતી અને પેલેસ્ટાઈનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
ભારત સરકારના આ બંને નિવેદનો વધુ સંતુલિત જણાય છે. કારણ કે મે 2021માં જ્યારે હમાસ દ્વારા રોકેટ છોડ્યા અને ત્યારબાદ ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા ત્યારે ભારતે બંને પક્ષોની ટીકા કરી હતી.
ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે છેઃ PM મોદી
હમાસ દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલામાં ભારતે ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને યુદ્ધ વિશે સંપૂર્ણ માહિતી આપી. આ સાથે જ પીએમ મોદીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે છે. અને અમે દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છીએ.