• અફઘાનિસ્તાનના આતંકી સંગઠને આપી ચીમકી
  • ચીન પાસેથી ઉઈઘુર મુસ્લિમોનો બદલો લેવાની ધમકી
  • ચીની નાગરિકો પર અફઘાનિસ્તાનમાં થઈ રહ્યા છે હુમલા
દુનિયાના સૌથી ખૂંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સે ચીનને ખુલ્લી ધમકી આપી છે. તેણે કહ્યું છે કે અમે ઉઈઘુર મુસ્લિમો પરના તમારા અત્યાચારનો બદલો લઈશું અને તમારા લોહીથી અમારી તરસ છીપાવીશું.

ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ લેવન્ટ ISIS ના જ એક પેટા સંગઠન અને હાલ દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન મનાતા ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે તેના લેટેસ્ટ મેગેઝીન વોઈસ ઓફ ખોરાસાનના તાજેતરના 29મા અંકમાં ચીનની શી જિનપિંગ સરકારને ખુલ્લી ધમકી આપી છે. આ ધમકી જિનપિંગ સરકારના મુસ્લિમો પરના અત્યાચાર અને દમનના વિરોધમાં આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે ચીનના વધતા સૌહાર્દપૂર્ણ સંબંધોથી આ સંગઠન અત્યંત નારાજ થયું છે. આ રોષના કારણે તેણે 6 મહિના પહેલા કાબુલની એક હોટલમાં ચીની નાગરિકો પર એક ભયાનક હુમલો કર્યો હતો. આ ઉપરાંત આતંકવાદી સંગઠન ચીન દ્વારા કાબુલ સહિત અનેક મોટા શહેરોમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાથી પણ નારાજ છે. આતંકી સંગઠને ચીનને જોઈ લેવાની અને બદલો લેવાની ધમકી આપી છે.

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે પોતાના મેગેઝીનમાં કહ્યું છે કે ચીનમાં ઉઈઘુર મુસ્લિમો પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે. શી જિનપિંગ સરકારના ઈશારે ચીનની સેના દરરોજ મોટી સંખ્યામાં તેમનો નરસંહાર કરી રહી છે. ઉઇઘુર મુસ્લિમો પરના આ જુલમનો બદલો ચીન સરકાર પાસેથી લેવામાં આવશે. આતંકવાદી સંગઠને પોતાના મેગેઝિનમાં ચીનને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે તમે જોયું છે કે અમે કેવી રીતે અમારી લોહીની તરસ છીપાવીએ છીએ જ્યાં તાલિબાન તમારા 30 નાગરિકોનું રક્ષણ કરી શક્યું નથી જેઓ અમારા સિંહોનો શિકાર બન્યા હતા, તો ભવિષ્યમાં પણ તેઓ તમારા નાગરિકોની સુરક્ષા નહીં કરે શકે. તમે તમારા નાગરિકોને સુરક્ષા કેવી રીતે આપી શકશો.

આતંકવાદી સંગઠનની આ ખુલ્લી ધમકી ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં થઈ રહેલા કામને લઈને છે. જેમાં તે સ્પષ્ટપણે કહેવા માંગે છે કે અફઘાનિસ્તાનમાં જે રીતે ચીની નાગરિકો કામ કરી રહ્યા છે, જો તેમના પર ISKPના આતંકવાદીઓ હુમલો કરશે તો ત્યાંની તાલિબાન સરકાર તેમની મદદ કરી શકશે નહીં. એટલે કે, એકંદરે, આ આતંકવાદી સંગઠન ચીનની સરકારને પણ સંદેશ આપવા માંગે છે કે તે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તેની ગતિવિધિઓ બંધ કરે અને તાલિબાન સાથેના તેના સૌહાર્દપૂર્ણ સંબંધોમાંથી પણ હટી જાય. આમ તાલિબાન સાથેના વધી રહેલા સંબંધોથી પરેશાન આ આતંકી સંગઠને ચીનને મોટી ધમકી આપી છે. જો કે મહત્વનું છે કે ISKP આ અગાઉ પણ અનેક વાર ચીની નાગરિકો પર હુમલા કરી ચૂક્યું છે. તેથી જો શી જિનપિંગ સરકાર તેમની ચેતવણી નહીં માને તો તે આવનારા દિવસોમાં આ હુમલાઓની સંખ્યા અને ગંભીરતા વધારી પણ શકે છે.

  • Follow us on: