ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવ પૂર્ણ માહોલ છે. બંને દેશ યુદ્ધ કરવા માગે આતુર છે. ત્યારે આ બંને દેશ વચ્ચે તણાવ જોઇને ભારતની ચિંતામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ભારત કયા દેશને સાથ આપશે તે એક સવાલ થાય છે. કારણ કે મિડલ ઇસ્ટના આ બંને દેશો એવા છે કે બંનેની સાથે ભારતના સારા સંબંધ છે.
ઇઝરાયલ કે ઇરાન, કોણ ભારત વિરોધી ?
હવે આ બંને દેશો સાથે વેપારની વાત કરીએ તો ઇરાન સાથે ભારતનો વેપાર ઘટ્યો છે જ્યારે ઇઝરાયલ વચ્ચેનો વેપાર છેલ્લા 5 વર્ષમાં બમણો થયો છે. વળી આટલા વર્ષોમાં ભારત વિરુદ્ધ ઇઝરાયલે કોઇ નિવેદન આપ્યુ નથી કે ન તો કોઇ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ ભારતના મુસ્લિમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતનો ઉલ્લેખ મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં કર્યો હતો. આ ઉપરાંત 2020ના દિલ્હીના રમખાણોને મુસલમાનોનો નરસંહાર ગણાવ્યો હતો. ખામેનેઇએ જમ્મુ કાશ્મીરના કલમ 370 અંગે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે કાશ્મીરમાં મુસલમાનોની સ્થિતિને લઇને ચિંતિત છીએ.
ઈઝરાયેલ અને ભારત મજબૂત વેપારી સંબંધો
- ભારતે 1992માં ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. આ સમયગાળા દરમિયાન વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે.
- 1992માં આશરે $200 મિલિયન જે હતું તે નાણાકીય વર્ષ 2022-23માં વધીને $10.7 બિલિયન થઈ ગયું છે.
- 2018-19માં $5.56 બિલિયનથી વધીને 2022-23માં $10.7 બિલિયન થઈ ગયું.
- 2021-22 અને 2022-23 વચ્ચે વેપારમાં 36.90 ટકાનો વધારો થયો છે.
- 2022-23માં ઈઝરાયેલમાં ભારતની નિકાસ $8.45 બિલિયનની હતી, જ્યારે નવી દિલ્હીની ઈઝરાયેલથી આયાત $2.3 બિલિયન હતી.
- નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન દ્વિપક્ષીય વેપાર $5.75 બિલિયન સુધી પહોંચ્યો હતો.
- તે વર્ષે ઇઝરાયેલ ભારતનું 32મું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. જે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતના કુલ 1,167 અબજ ડોલરના વેપારમાં 0.92 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત એશિયામાં ઇઝરાયેલનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને વૈશ્વિક સ્તરે સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. હાલમાં ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીયો છે.
ઈરાન અને ભારત વચ્ચે વેપારી સંબંધો કેવા ?
- જેમ ઈઝરાયેલ મહત્વનું છે તેમ ઈરાન પણ ભારત માટે મહત્વનું છે. ઐતિહાસિક રીતે ભારતના ઈરાન સાથે પણ સારા સંબંધો છે. બંને વચ્ચે મજબૂત વેપારી સંબંધો છે. ખાસ કરીને ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના ક્ષેત્રમાં. ભારતે તાજેતરમાં 10 વર્ષ માટે ઈરાનમાં સ્થિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટના સંચાલન અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ સાથે ભારતીય કંપનીઓ ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદે છે.
- જો કે ઈરાન સાથેનો ભારતનો વેપાર ઈઝરાયેલની સરખામણીએ ઓછો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ઈરાન ભારતનો 59મો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો. તેની સાથે દ્વિપક્ષીય વ્યાપાર 2.33 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો.
- નાણાકીય વર્ષ 2022-23માં વધતા પહેલા ઈરાન સાથે ભારતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
- 2021-22માં 21.77 ટકાનો વધારો થયો હતો. તે 2022-23માં $1.94 બિલિયનથી વધીને $2.33 બિલિયન થયું છે.
- નાગરિકોની વાત કરીએ તો ઈરાનમાં પાંચથી 10 હજાર ભારતીયો રહે છે
- પશ્ચિમ એશિયામાં ભારતને તેલ સપ્લાય કરતા ટોચના દેશો સાઉદી અરેબિયા અને ઈરાન છે.
85 ટકા ક્રૂડ ઓઇલ માટે ઇરાન પર નિર્ભર ભારત
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર ક્રૂડ ઓઈલ પર પડશે. ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે અને તેના કુલ વપરાશના 7 ટકા સાઉદી અરેબિયા, કુવૈત અને ઈરાકમાંથી લે છે. આવી સ્થિતિમાં આ યુદ્ધ ભારત માટે મોટો પડકાર બની શકે છે. ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારત અને ઈઝરાયલ વચ્ચે હથિયારો સહિત અબજો ડોલરનો વેપાર છે, જેને આ યુદ્ધથી અસર થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે.
જયારે ભારત માટે લાંબા સમય સુધી તટસ્થતાની નીતિને વળગી રહેવું પણ મુશ્કેલ બની શકે છે. જો ભારત ઈઝરાયેલ સાથે પોતાના સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો ઈરાન સાથેના સંબંધો બગડી શકે છે અને જો તે ઈરાન સાથે નિકટતા બતાવશે તો તેને અમેરિકાની સાથે ઈઝરાયેલની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
ઇઝરાયલ જનારા પ્રથમ ભારતીય પીએમ નરેન્દ્ર મોદી
2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ 2017માં ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. ઈઝરાયેલની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય પીએમ હતા. ઈઝરાયેલ અને ભારત આતંકવાદ વિરોધી અને સંરક્ષણ મુદ્દાઓ પર વર્ષોથી સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભારત યહૂદી રાજ્ય પાસેથી શસ્ત્રો ખરીદે છે. તમે ઇઝરાયલ અને ભારત વચ્ચે મજબૂત મિત્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે પીએમ મોદી ઇઝરાયલ ગયા હતા ત્યારે બેન્જામિન નેતન્યાહૂએ તેમનું ઉચ્ચ સ્તરીય રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યાં પણ પ્રવાસ પર ગયા હતા ત્યાં નેતન્યાહૂ તેમની સાથે હતા. તે અમેરિકન રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ સ્તરના મહેમાનોને આવી સારવાર આપે છે.













