ઈરાન-ઈઝરાયલ યુદ્ધે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગંભીર પડકાર ઉભો કર્યો છે. આશરે 10,000 થી 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં છે, જેમના પરિવારો ભારતમાં રહે છે. તેઓ ત્યાં તબીબી અભ્યાસ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તેહરાન, શિરાઝ અને અન્ય ઈરાની શહેરોમાં અભ્યાસ કરે છે. ભારતીય દૂતાવાસ આ વિદ્યાર્થીઓને કોમ શહેરમાં ખસેડવાનું કામ કરી રહ્યું છે, જ્યારે આશરે 110 વિદ્યાર્થીઓ હજુ પણ ઈરાનના ઉર્મિયામાં ફસાયેલા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, દૂતાવાસે તેમને ત્યાં જ રહેવા કહ્યું છે.
વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ
પરંતુ હવે, આ વિદ્યાર્થીઓ માટે જીવન મૃત્યુનો સામનો કરવા જેવું બની ગયું છે.વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી શેર કરી હતી, તેમના રહેણાંકમાં જ 100 મીટરની અંદર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કરતા, વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમના રૂમની બહારથી ધુમાડો અને વિસ્ફોટ કેવી રીતે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઇઝરાયલી હુમલો પહેલા 50 કિમી દૂર થયો હતો, પછી 5 કિમી દૂર, બાદમાં 1 કિમી દૂર બોમ્બ પડ્યા હતા, અને હવે 100 મીટર પર પડી રહ્યા છે. હાલમાં, બધા વિદ્યાર્થીઓ ડરી ગયા છે અને પોતાના વતન ભારત પાછા ફરવા માંગે છે. વિદ્યાર્થીઓ કહે છે કે તેમના પરિવારો પણ ખૂબ ચિંતિત છે, અને ઘરે શોક છે.
