તમારી પાસે શોક કરવાનો અધિકાર છે? - Sandesh

તમારી પાસે શોક કરવાનો અધિકાર છે?

 | 4:17 am IST
  • Share

વ્યક્તિ જ્યારે સ્મશાનમાં જાય ત્યારે વાસ્તવિકતા, સત્ય, કુદરતનો હિસાબ જેવી સુફ્યિાણી વાતો કરવા લાગે છે. તાજેતરમાં એક ઘટના એવી બની કે એક ભાઈનું અવસાન થયું. તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી. તેના સગા સંબંધીઓ અને આડોશી પાડોશી તેમાં જોડાયા. એક ભાઈ પોતાના ઘરની બહાર ઊભા રહીને આ જોતા હતા અને તેમની સાથે તેમનો આઠ વર્ષનો દીકરો ઊભો હતો. છોકરાએ સ્વાભાવિક સવાલ કર્યો કે પપ્પા આ લોકો વારાફ્રતી આ સીડી પર સૂઈ રહેલા વ્યક્તિને ક્યાં લઈ જાય છે. પિતાએ જવાબ આપ્યો કે આ ભાઈનું અવસાન થયું છે અને તેને નનામી પર બાંધીને સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈ જાય છે. તેનો ભાર ન લાગે એટલે બધા વારાફ્રતી તેને ખભે રાખી લઈ જાય છે. તેને ટેકો આપવો કે કાંધ આપી કહેવાય. કાંધ આપવી તે પુણ્યનું કામ છે. દીકરાએ ફ્રી સવાલ કર્યો પપ્પા આ ભાઈ કેટલા ગરીબ અને દુઃખી હતા. તે જીવતા હતા ત્યારે તો કોઈ તેમને ટેકો આપવા આવ્યું નહોતું અને હવે કાંધ આપીને પુણ્ય મળશે? પેલા ભાઈ પાસે કોઈ જવાબ જ નહોતો અને કદાચ તમારી કે મારી પાસે પણ નહીં હોય.

આવી જ બીજી ઘટનાની વાત કરીએ તો રમેશભાઈ નામના એક વૃદ્ધનું અવસાન થયું. ઘરમાં રોકકળ ચાલતી હતી. ભાઈ સમાજમાં થોડા પ્રતિષ્ઠિત એટલે ઘણા માણસો આવ્યા હતા. રમેશભાઈની બરાબર બાજુમાં રહેતા એક ભાઈ તેમના પંદર વર્ષના પુત્ર સાથે ત્યાં હાજર હતા. રમેશભાઈનો નાનો પુત્ર અને પુત્રવધૂ ચોધાર આંસુએ રડતા હતા. તેમને જોઈને પેલા છોકરાએ સવાલ કર્યો કે પપ્પા આ કાકા કોણ છે કેમ આટલું રડે છે. તેના પિતાએ કહ્યું કે આ રમેશદાદાનો નાનો દીકરો અને વહુ છે. તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. દીકરાએ સવાલ કર્યો કે આ લોકોને પહેલાં તો ક્યારેય જોયા નથી. રમેશદાદા બીમાર હતા ત્યારે પણ નહીં અને તેમને ઓપરેશન કરાવ્યું ત્યારે પણ નહીં. આજે રમેશદાદા ગુજરી ગયા તો અચાનક ક્યાંથી પ્રગટ થયા અને તે પણ આટલા બધા શોક અને આઘાત સાથે? પેલા છોકરાની વાત સાંભળીને તેના પિતા અને આસપાસ ઊભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા.

આ બંને ઘટનાઓ આપણી સાથે બનેલી, જોયેલી કે સાંભળેલી હોય તેવી જ છે. સવાલ એટલો જ છે કે આપણે મોતનો જેટલો મલાજો સાચવીએ છીએ તેટલો જીવનનો કેમ નથી સાચવતા. એક વ્યક્તિ જીવતી હોય ત્યારે તેની સામે જોવાનો પણ આપણી પાસે સમય હોતો નથી. તેને મદદ કરવાની આવે તો આપણા હાથ પાછા પડે છે. આ વ્યક્તિ દુઃખ, પીડા, અભાવથી જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના નશ્વર દેહને કાંધ આપીને આપણે પુણ્ય મેળવવા નીકળી પડીએ છીએ. તેવો જ એક સવાલ સંતાનોને પણ છે. એક મા-બાપ કે જે બે, ચાર કે છ સંતાનોને ઉછેરીને જ્યારે જીવન સંધ્યાએ પહોંચે ત્યારે તેમને સાથ કે સધિયારો આપનાર કદાચ એકાદ સંતાન વધ્યું હોય છે. આવું શા માટે થાય છે? સવાલનો જવાબ શોધવાની ખરેખર જરૂર નથી લાગતી? વૃદ્ધ પિતા કે માતાની સેવાચાકરી ન કરી શકાનારા સંતાનો જ્યારે મૃત્યુ સમયે આક્રાંદ કરે ત્યારે કદાચ સમાજના લોકોને નહીં લાગે પણ તે મૃત પિતા કે માતાને અને બાકી બચેલા પરિવારજનોને તો ખબર પડશે કે અહીંયા દંભ કેટલો અને લાગણી કેટલી છે. સમાજમાં એવા ઘણા રમેશભાઈઓ છે જેમની સામે જોવા માટે તેમના સંતાનો તૈયાર નથી પણ તેમના મૃત્યુ પછી તેમના ઘર કે સંપત્તિમાં ભાગ માગવા તૈયાર છે. આવા પ્રસંગો જોઈએ ત્યારે ખરેખર આપણને સવાલ થાય કે શું આપણે શોક કરવાનો અધિકાર પણ ગુમાવી રહ્યા છીએ? આ એવો સવાલ છે જે સમાજ વ્યવસ્થાના પાયા પર પ્રહાર સમાન છે. આ સવાલનો સાચો જવાબ શોધવો પડશે અને જવાબ જડે તો તેના દ્વારા આ સમસ્યાનો ઉકેલ પણ લાવવો પડશે નહીંતર આ સમાજ વ્યવસ્થા વેરવિખેર થઈ જશે.   ?

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો