અજિત અગરકરનો ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ હવે અંતિમ તબક્કામાં છે. 30 સપ્ટેમ્બર 2026ના અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીર સાથે ગુહાટીમાં થયેલી પસંદગી સમિતિની બેઠકમાં અગરકર હાજર રહ્યા નહોતા અને પ્રજ્ઞાન ઓઝાએ વચગાળાના વડા તરીકે જવાબદારી સંભાળી હતી. અગરકરનો કરાર 4 ઓક્ટોબરે પૂર્ણ થવાનો અહેવાલ છે.
ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિમાં ફેરફાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે પહેલાં ગુહાટીમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે શિવ સુંદર દાસ,અજય રાત્રા,આર.પી.સિંહ અને પ્રજ્ઞાન ઓઝા હાજર રહ્યા હતા.અગરકરની ગેરહાજરીમાં ઓઝાએ બેઠકની આગેવાની કરી હતી.પ્રજ્ઞાન ઓઝા હાલમાં પસંદગી સમિતિના સભ્યોમાં ટેસ્ટ મેચોની સંખ્યાની દૃષ્ટિએ સૌથી અનુભવી સભ્ય છે. તેમણે ભારત માટે 24 ટેસ્ટ મેચ રમી છે. અહેવાલો અનુસાર, તેમને હાલ વચગાળાની જવાબદારી સોંપવામાં આવી છે અને ભવિષ્યમાં તેઓ કાયમી મુખ્ય પસંદગીકાર બને તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, કાયમી નિમણૂક અંગે અંતિમ સત્તાવાર નિર્ણયની રાહ જોવી પડશે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી મહત્વની
ભારતીય ટીમ ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં 5 T20, 5 ODI અને 2 ટેસ્ટ મેચ રમાવાની છે. પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. આ ઉપરાંત ભારત A ટીમનો પ્રવાસ પણ યોજાવાનો છેઆ કારણે નવી પસંદગી સમિતિ સામે શરૂઆતથી જ મહત્વની જવાબદારી રહેશે. ખાસ કરીને અલગ-અલગ ફોર્મેટ માટે ખેલાડીઓની પસંદગી અને તેમના કાર્યભારને ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર કરવી પડશે.
અગરકર બાદ કોણ સંભાળશે કાયમી જવાબદારી?
અગરકર બાદ મુખ્ય પસંદગીકારની જવાબદારી કોને મળશે તે અંગે હાલમાં વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે.પ્રજ્ઞાન ઓઝાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. અગાઉ પાર્થિવ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. જોકે, કાયમી મુખ્ય પસંદગીકાર અંગે અંતિમ નિર્ણય સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.હાલની સ્થિતિમાં એટલું સ્પષ્ટ છે કે ભારતીય ક્રિકેટની પસંદગી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર થયો છે. પ્રજ્ઞાન ઓઝાએ વચગાળાના વડા તરીકે જવાબદારી સંભાળી છે અને હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમ પસંદગી તેમની આગેવાની હેઠળની સમિતિ માટે પ્રથમ મોટી કસોટી બની શકે છે
આ પણ વાંચો - ICC ODI રેન્કિંગમાં વિરાટ કોહલીએ લગાવી લાંબી છલાંગ, ગિલનું નંબર-1 સ્થાન જોખમમાં