ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ICC ODI રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં શાનદાર બેટિંગ કર્યા બાદ વિરાટને નવી રેન્કિંગમાં તેનો ફાયદો મળ્યો છે.વિરાટ હવે એક સ્થાન આગળ વધીને નંબર 2 પર પહોંચી ગયો છે.બીજી તરફ ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ હજુ પણ નંબર 1 ODI બેટર તરીકે યથાવત છે.જોકે, ગિલ અને વિરાટ વચ્ચે હવે બહુ મોટો તફાવત રહ્યો નથી.આ કારણે આગામી રેન્કિંગમાં બંને વચ્ચેનું અંતર વધુ ઘટી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં વિરાટ અને ગિલ બંનેએ શાનદાર સદી ફટકારી હતી.

શુભમન ગિલ નંબર 1 પર યથાવત

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ 816 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં ગિલે 108 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી.ગિલની આ ઇનિંગમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. આ શાનદાર પ્રદર્શન બાદ તેમની રેટિંગ વધીને 816 થઈ ગઈ છે. વર્ષ 2023માં ગિલની રેટિંગ 841 સુધી પહોંચી હતી અને હવે તેઓ ફરી તે આંકડાની નજીક પહોંચી ગયા છે.

https://x.com/ICC/status/2105206737511080080?s=20

વિરાટ કોહલી નંબર 2 પર પહોંચ્યો

વિરાટ કોહલીએ નવી ICC ODI રેન્કિંગમાં 1 સ્થાનની છલાંગ લગાવી છે. હવે તે 796 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં વિરાટે પોતાની બેટિંગનો ફરી એકવાર દમ બતાવ્યો હતો.વિરાટે માત્ર 88 બોલમાં અણનમ 139 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા હતા. વિરાટની આ શાનદાર ઇનિંગના કારણે તેની રેન્કિંગમાં મોટો સુધારો થયો છે.હવે વિરાટ અને ગિલ વચ્ચે માત્ર 20 રેટિંગ પોઈન્ટનું અંતર છે. તેથી આગામી મેચોમાં બંનેના પ્રદર્શન પર રેન્કિંગની દૃષ્ટિએ પણ નજર રહેશે.

ડેરિલ મિચેલને એક સ્થાનનું નુકસાન

વિરાટ કોહલીના નંબર 2 પર પહોંચવાથી ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને એક સ્થાનનું નુકસાન થયું છે.મિચેલ હવે 794 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.વિરાટ અને મિચેલ વચ્ચે પણ માત્ર 2 રેટિંગ પોઈન્ટનું અંતર છે. એટલે ODI બેટિંગ રેન્કિંગના ટોચના ક્રમમાં આગામી અપડેટમાં ફરી ફેરફાર જોવા મળી શકે છે.

રોહિત શર્મા ચોથા નંબર પર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા હજુ પણ ODI બેટિંગ રેન્કિંગમાં ચોથા નંબર પર છે.તેમની રેટિંગ 753 છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં રોહિતનું બેટિંગ ખાસ અસરકારક રહ્યું નહોતું.તે 35 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા હતા.આ ઉપરાંત શ્રીલંકાના કુસલ મેન્ડિસે પણ રેન્કિંગમાં 3 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 674 રેટિંગ પોઈન્ટ સાથે 7મા સ્થાને પહોંચી ગયો છે.આ રીતે ICC ODI રેન્કિંગમાં ટોચના ક્રમમાં ભારતીય બેટરોનો દબદબો યથાવત છે.શુભમન ગિલ નંબર 1 પર છે, જ્યારે વિરાટ કોહલી હવે તેમની પાછળ નંબર 2 પર પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બાકીની મેચોમાં બંનેનું પ્રદર્શન રેન્કિંગ માટે મહત્વનું બની શકે છે.

આ પણ વાંચો - Auqib Nabiનું નસીબ ચમક્યું, બીજી વનડેમાં મળ્યું સ્થાન