સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે કોર્ટે એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2025માં ગેરકાયદેસર રીતે ગાંજાનો મોટો જથ્થો રાખીને હેરાફેરી કરતા આરોપી બિરેન્દ્રકુમાર લલ્લુરામ ગુપ્તાને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
સુરત કોર્ટનો કડક ચુકાદો
પોલીસે આરોપીના કબજામાંથી 26.379 કિલોગ્રામ ગાંજો, જેની બજાર કિંમત રૂ. 2,63,790 થવા જાય છે, તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે અમરોલી પોલીસે આરોપી વિરુદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની આખરી સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો અને પોલીસ દ્વારા એકત્ર કરાયેલા પંચનામા, એફએસએલ (FSL) રિપોર્ટ અને તકનીકી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
