નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની હોનારતમાં ભારતના અનેક યાત્રાળુઓ ફસાયા છે અથવા લાપતા થયા છે. આ હોનારતમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા પવિત્ર ધામ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત કમલપ્રસાદ બાબુલાલ (ઉર્ફે ગોમતીબાપુ / ગોટીબાપુ) પણ લાપતા થયા હોવાના માઠા સમાચાર સામે આવ્યા છે.
નેપાળ પૂર હોનારતમાં અમરેલીના સાધુ લાપતા
મળેલી વિગતો અનુસાર, ગોટીબાપુ ગત 10 તારીખે જાફરાબાદથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. અયોધ્યાથી તેઓ સુલતાનપુર આશ્રમના સાધુ-સંતોના મંડળ સાથે નેપાળ દર્શનાર્થે ગયા હતા. નેપાળ પહોંચ્યા બાદ જ ત્યાં ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાતાં 10 તારીખ પછીથી મહંત ગોટીબાપુનો કોઈ પણ સંપર્ક થઈ શક્યો નથી. નેપાળના પૂરમાં ફસાયેલા અને ગુમ થયેલા ગુજરાતના નાગરિકો તેમજ સાધુ-સંતો અંગે રાજ્ય સરકાર દ્વારા એક સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 20મા ક્રમાંક પર જાફરાબાદના મહંત કમલપ્રસાદ (ગોટીબાપુ) નું નામ દર્શાવવામાં આવ્યું છે.
