• સપ્ટેમ્બરમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વ ભારતમાં છાયારૂપે દેખાશે
  • નવા હિન્દુ વર્ષમાં ચાર ગ્રહણનો સંયોગ, પણ ત્રણ ભારતમાં દેખાશે નહીં
  • છાયા ચંદ્રગ્રહણ, ખગ્રાસ સૂર્યગ્રહણ, કંકણાવૃતિ સૂર્યગ્રહણ નહીં દેખાય

નૂતન વર્ષ સાથે શરૂ થયેલા નવા હિન્દુ સંવત 2080માં ચાર ગ્રહણનો સંયોગ જોવા મળશે. જે પૈકી ત્રણ ભારતમાં દેખાશે નહીં. એકમાત્ર સપ્ટેમ્બરમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જ પૂર્વ ભારતમાં છાયારૂપે દેખાશે, પરંતુ તેનો પણ વેધ ન પાળવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. નવા સંવત વર્ષના આરંભ સાથે જ વર્ષ દરમિયાનના ગ્રહણ, નક્ષત્રો, મૂહર્તોની ચર્ચા શરૂ થઇ છે. હજુ દેવ દિવાળી સુધી પર્વનો જ માહોલ જોવા મળશે. મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોની વણઝાર સાથે જ સામાન્ય જનજીવન પણ હજુ પર્વની ઉજવણીમાં મશગૂલ છે. 2080ના સંવત વર્ષમાં ચાર ગ્રહણ થશે. ચાર પૈકી ત્રણ ગ્રહણ ભારતમાં દેખાવાના ન હોય વેધ પાળવાનો રહેશે નહીં.

માર્ચ માસમાં છાયા ચંદ્રગ્રહણ થશે. એપ્રિલ માસમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ બન્ને ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ત્યાર બાદ સપ્ટેમ્બર માસમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. તે પશ્ચિમ ભારતમાં દેખાશે નહીં. માત્ર પૂર્વ ભારતમાં છાયા જ દેખાશે. આ ગ્રહણનો ભારતમાં દોષ લાગતો ન હોય પાળવાનું નથી. ઓક્ટોબર માસમાં વર્ષનું છેલ્લુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે, પરંતુ તે પણ ભારતમાં દેખાવાનું નથી. આમ, ગ્રહણની દૃષ્ટિએ એકેય ગ્રહણની ઘટનાનો પૂર્ણ નજારો ભારતમાંથી જોવા મળશે નહીં.

હિન્દુ સંવત 2080ના ગ્રહણ પર એક નજર

છાયા ચંદ્રગ્રહણ(25 માર્ચ-2024) :

સોમવારના રોજ કન્યા રાશિ, ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં છાયા ચંદ્રગ્રહણ થશે. ભારતમાંથી દેખાશે નહી અને દોષ લાગશે નહીં. પાળવાનું નથી. આ ગ્રહણ માત્ર અમેરિકામાં દેખાશે.

ખગ્રાસ સૂર્યગ્રહણ (8-9 એપ્રિલ, 2024):

સોમવારના રોજ મીન રાશિમાં, રેવતી નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ ઉત્તર અને મધ્ય અમેરિકા, મેક્સિકો, પૂર્વ કેનેડામાં દેખાશે.

ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (18 સપ્ટેમ્બર, 2024) :

બુધવારના રોજ મીન રાશિમાં, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં થશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પિૃમ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણનો ભારતમાં દોષ લાગશે નહીં અને પાળવાનું નથી. એમરિકા, આફ્રિકા અને યુરોપમાં દેખાશે. ભારતના પૂર્વમાં ફક્ત છાયારૂપે દેખાશે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ (2-3 ઓક્ટોબર, 2024) :

બુધવારના રોજ કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ પેસિફીક અને દક્ષિણ અમેરીકાની દક્ષિણ બાજુ દક્ષિણ ચીલી, આર્જેન્ટિનામાં દેખાશે. ભારતમાંથી દેખાશે નહીં.


  • Follow us on: