- મૃગશીર્ષ નક્ષત્રમાં કાનુડો પારણે ઝૂલશે
- 6 સપ્ટેમ્બરના રોજ સ્માર્ત અને 7મીએ વૈષ્ણવોની જન્માષ્ટમી ઉજવાશે
- મટકીફોડ સહિતના કાર્યક્રમોની 7 સપ્ટેમ્બરના ગુરુવારે જ ઉજવણી થશે
રક્ષાબંધન પર્વની ઉજવણી આડે ભદ્રાનું ગ્રહણ હોય રાખડી બાંધવા મુદ્દે ગડમથલ જોવા મળી હતી. દરમિયાન ગુજરાતમાં બે દિવસ રક્ષાબંધનનો માહોલ દેખાયો હતો. જોકે, રક્ષાબંધન બાદ હવે જન્માષ્ટમી વેળાએ પણ તિથિ અને નક્ષત્રનો વિચિત્ર સંયોગ જોવા મળશે. 6 સપ્ટેમ્બરના રોજ સ્માર્ત અને 7મીએ વૈષ્ણવોની જન્માષ્ટમી ઉજવાશે. મટકીફોડ સહિતના કાર્યક્રમોની 7 સપ્ટેમ્બરના ગુરુવારે જ ઉજવણી થશે. જોકે, ગુરુવારે રાત્રિએ 12 વાગ્યે રોહિણી નક્ષત્ર અને આઠમની તિથી વિના જ મૃગશીર્ષ નક્ષત્રમાં કાનુડો પારણે ઝૂલશે.
વૈષ્ણવોની જન્માષ્ટમી સાથે જ શહેરમાં રંગારંગ ઉજવણીનો દોર જોવા મળશે
હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્તર ભારતીય પંચાગ પ્રમાણે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અને દક્ષિણ ભારતીય પંચાગ પ્રમાણે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ રાત્રિએ 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં વૃષભ લગ્નમાં થયો હતો. તે સમયે હર્ષણ યોગ હતો. આગામી ગુરુવારે વૈષ્ણવોની જન્માષ્ટમી સાથે જ શહેરમાં રંગારંગ ઉજવણીનો દોર જોવા મળશે.
બુધવારે બપોરે 15.39 વાગ્યાથી આઠમની તિથિ શરૂ થશે અને ગુરુવારે સાંજે 04.15 વાગ્યા સુધી આઠમ રહેશે
જ્યારે બુધવારે સ્માર્ત જન્માષ્ટમીનો ઉલ્લેખ પંચાગમાં કરાયો છે. બુધવારે બપોરે 15.39 વાગ્યાથી આઠમની તિથિ શરૂ થશે અને ગુરુવારે સાંજે 04.15 વાગ્યા સુધી આઠમ રહેશે. રોહિણી નક્ષત્ર બુધવારે સવારે 09.20 વાગ્યાથી ગુરુવારે સવારે 10.25 વાગ્યા સુધી છે. ત્યાર બાદ મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થશે અને તે શુક્રવારે બપોરે 2.27 વાગ્યા સુધી રહેશે. પરંપરા પ્રમાણે જન્માષ્ટમીએ રાત્રિએ 12 વાગ્યે કાનુડાને પારણે ઝૂલાવવામાં આવે છે. જોકે, આ વર્ષે ગુરુવારે રાત્રિએ12 વાગ્યે રોહિણી નક્ષત્ર અને આઠમની તિથિ બન્ને રહેશે નહીં. ગુરુવારે રાત્રિએ 10.01વાગ્યા સુધી વ્રજ યોગ રહેશે. આમ, જન્માષ્ટમી તિથિ અને નક્ષત્રનો વિચિત્ર સંયોગ જોવા મળશે. કેમકે કનૈયાનો જન્મોત્સવ રોહિણી નક્ષત્રમાં જ ઉજવાય છે અને આઠમ તેમજ રાત્રીનો 12 વાગ્યાનો સમય હોય છે જે આ વખતે ન હોવાથી શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં જન્માષ્ટમીની ઉજવણીને લઇને થોડી અસમંજસ છે.