• 4 નવેમ્બરના રોજ સવારે 7:57 વાગ્યાથી શરૂ થશે
  • 5 નવેમ્બરના રોજ સવારે 10:29 વાગ્યા સુધી ચાલશે
  • મિલકત વગેરે ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય

દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ હોય છે. પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરવા માટે નક્ષત્રનું ખૂબ મહત્વ છે. વેદ પુરાણ અનુસાર 27 પ્રકારના નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્ર આ તમામ નક્ષત્રોનો રાજા છે. પુષ્ય એ 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે. મંગલ પુષ્ય યોગમાં નવા હિસાબી ચોપડા, નવા વાહનો, સ્થાવર મિલકતના સોદા, સોના-ચાંદી, મશીનરી, ઈન્ટીરીયર ડેકોરેટર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી શુભ રહેશે.

માંગલિક અને મહત્ત્વપૂર્ણ કાર્યોની શરૂઆત

પુષ્ય નક્ષત્રમાં લગ્નને છોડીને અન્ય માંગલિક અને મહત્ત્વપૂર્ણ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. તેની સાથે જ, ખરીદારી, રોકાણ અને મોટાં વ્યાપારિક લેણ-દેણ આ નક્ષત્રમાં કરવાં શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર બે પ્રકારના હોય છે. એક રવિ પુષ્ય અને બીજું ગુરુ પુષ્ય. બંને પુષ્ય નક્ષત્ર ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. દિવાળી પહેલા 4 થી 5 નવેમ્બર દરમિયાન રવિ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે. તે 4 નવેમ્બરના રોજ સવારે 7:57 વાગ્યાથી શરૂ થશે અને 5 નવેમ્બરના રોજ સવારે 10:29 વાગ્યા સુધી ચાલશે.

વાહનો અને પ્રોપર્ટીનું બુકિંગ શરૂ થયું

આ નક્ષત્રમાં સોનું, ચાંદી, હિસાબ-કિતાબ, વાહન, મિલકત વગેરે ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. લોકો ખાસ કરીને જમીન, મકાન, વાહનો, ઝવેરાત અને અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદવા માટે આ યોગની રાહ જુએ છે. બાઇક, કાર, પ્રોપર્ટી, સોના-ચાંદીની ખરીદી માટે બજારોમાં પુષ્ય નક્ષત્રનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

ખરીદી ન કરી શકો તો આ કરો

જો તમે આ દિવસે કંઈ ખરીદી ન શકો તો પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ નક્ષત્રમાં પૂજા કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે. પુષ્ય નક્ષત્રના દિવસે ગાયને ગોળ ખવડાવો. તેનાથી આર્થિક લાભ થાય છે. બાળકોના ઉપનયન સંસ્કાર અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે પુષ્ય નક્ષત્રનો દિવસ શ્રેષ્ઠ છે.

જ્યોતિષમાં પુષ્ય

સત્તાવીસ નક્ષત્રોમાં પુષ્ય આઠમો નક્ષત્ર છે. આ નક્ષત્રના ઉદય થવા પર જ્યોતિષી શુભ કાર્ય કરવાની સલાહ આપે છે. બધા નક્ષત્રોમાં તેને સૌથી સારો માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન ચંદ્ર કર્ક રાશિમાં સ્થિત હોય છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ સિવાય ચંદ્ર અન્ય કોઇ રાશિનો સ્વામી નથી. ચંદ્ર ધનનો દેવતા છે. એટલાં માટે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સોનું, ચાંદી અને નવા સામાનની ખરીદી માટે પુષ્ય નક્ષત્રને સૌથી પવિત્ર માનવામાં આવે છે.


  • Follow us on: