• જ્યાં માતા પાર્વતીની પરીક્ષા લેવા સાક્ષાત્ ભોળાનાથ આવ્યા હતા
  • મંદિરમાં દેવી કામાક્ષીની મૂર્તિ અને શિવલિંગ છે.
  • જેમાં દેવી કામાક્ષી ભગવાન શિવનું શિવલિંગ પકડતાં દેખાય છે

ભારતનાં દક્ષિણી રાજ્યોમાં મંદિરોની શૈલી મંત્રમુગ્ધ કરી દેનારી હોય છે. અહીંનાં તમામ મંદિરો જોતાંની સાથે જ ભક્તજનો ધન્યતા અનુભવે છે. દક્ષિણના મોટાભાગનાં મંદિરોનું નિર્માણ સદીઓ પહેલાં કરવામાં આવેલું છે તેમજ અહીંનાં તમામ મંદિરોની પોતાની અલગ ઓળખ છે. આવું જ એક મંદિર છે જે શિવજીને સમર્પિત છે. આ મંદિર તામિલનાડુના કાંચીપુરમમાં આવેલું છે. જેને એકામ્બરેશ્વર મંદિર અને એકામ્બરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્વયંભૂ મંદિર એટલે એકામ્બરેશ્વર

આ મંદિરને સ્વયંભૂ મંદિર કહેવા પાછળ એક ધાર્મિક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવને ખૂબ જ ક્રોધ આવ્યો હતો ત્યારે તેમણે માતા પાર્વતીને પૃથ્વી પર જવાનું કહ્યું હતું. માતા પાર્વતી ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરીને તુરંત જ પૃથ્વી પર આવી ગયાં અને તેઓ ભગવાન શિવની જ તપસ્યા કરવા લાગ્યાં હતાં. બીજી તરફ ભગવાન શિવ માતા પાર્વતીની કઠોર તપસ્યા જોઈને આશ્ચર્ય પામી ગયાં હતાં. તેથી તેમણે માતા પાર્વતીની તપસ્યાભંગ થવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે તેમની તપસ્યાભંગ કરવા માટે ચારેય તરફ આગ લગાવી દીધી હતી.

 સાથે સાથે તપસ્યા માટે જે શિવલિંગ રાખવમાં આવ્યું હતું તે વહી જાય તે માટે ગંગા નદીને પણ મોકલવામાં આવી હતી. ભોળાનાથે તમામ પ્રયત્નો કરી જોયા, પરંતુ માતા પાર્વતીની તપસ્યાભંગ કરી શક્યા નહીં. ગંગા નદીના વહેણથી પણ માતા પાર્વતીએ તેમનાથી શિવલિંગ દૂર ન કર્યું. અંતે માતા પાર્વતીની કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને દર્શન દીધાં. તેથી આ મંદિરને સ્વયંભૂ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

એકામ્બરેશ્વર મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું?

ભારતનાં પ્રાચીન મંદિરોમાં એકામ્બરેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પ્રાચીન મંદિરનું નિર્માણ સાતમી સદીમાં પલ્લવ વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર વિશે એમ પણ કહેવાય છે કે, 10મી સદીમાં આદી શંકરાચાર્યે આ મંદિરનું પુનઃ નિર્માણ પણ કરાવ્યું હતું. આ સાથે તેમણે કામાક્ષી અમ્મન મંદિર અને વરદરાજ પેરુમલ મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. જ્યારે 15મી સદીમાં વિજયનગરના સમ્રાટો દ્વારા રાજગોપુરમ સહિત અન્ય ધાર્મિક નિર્માણો પણ કરવામાં આવ્યાં હતાં. તેમજ તંજાવૂરના નાયકો દ્વારા પણ આ મંદિરના નિર્માણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.

કાંચીપુરમમાં સૌથી મોટું મંદિર હોવાની સાથે સાથે આ વિજયનગર વંશનું ઉચ્ચતમ પ્રતીક પણ કહેવાય છે. ખાસ કરીને આ મંદિરને પંચભૂત સ્થલમના પાંચ પવિત્ર શિવમંદિર પૈકીનું એક ગણવામાં આવે છે અને આ મંદિર ધરતી તત્ત્વનું પ્રતિનિધિત્વ પણ કરે છે!

એકામ્બરેશ્વર મંદિરની વાસ્તુકલા

એકામ્બરેશ્વર મંદિરમાં દેવી કામાક્ષીની મૂર્તિ અને શિવલિંગ છે. જેમાં દેવી કામાક્ષી ભગવાન શિવનું શિવલિંગ પકડતાં દેખાય છે. એકામ્બરેશ્વર મંદિરમાં ભગવાન એકામ્બરેશ્વર મૂર્તિની સામેની તરફ સ્ફટિક શિવલિંગ ઉપરાંત સ્ફટિક નંદી પણ બિરાજમાન છે.

એકામ્બરેશ્વર મંદિરની ધાર્મિક માન્યતાઓ

આ મંદિરનાં દર્શન કર્યાં બાદ ભક્તજનોને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. સ્ફટિક શિવલિંગનાં દર્શનમાત્રથી ભક્તજનોમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને તેનામાંથી નકારાત્મક્તા દૂર થઈ જાય છે.

આ મંદિરમાં સહસ્ત્રલિંગ અને અશ્તોથરા લિંગ પણ છે. બ્રહ્મહત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી રામે પણ સહસ્ત્રલિંગની પૂજા કરી હતી. તેથી અહીં પણ ભક્તજનો આ સહસ્ત્રલિંગની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં ભક્તજનો પૂરી શ્રદ્ધાથી કુલ 108 દીવા પ્રગટાવે છે.

એકામ્બરેશ્વર મંદિરમાં કયા ધાર્મિક તહેવારો ઊજવાય છે?

આ મંદિરમાં દર વર્ષે અની તિરુમંજનામ (જૂન-જુલાઈ), આદિ કૃતિકઈ (જુલાઈ-ઓગસ્ટ), અવનિ મુલમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર), નવરાત્રિ (સપ્ટેમ્બર-ઓક્ટોબર), કાર્તિકી દીપમ (નવેમ્બર-ડિસેમ્બર), થાઇ પૂસમ (જાન્યુઆરી-ફેબ્રુઆરી) ઉપરાંત પંગુની ઉથિરમ (માર્ચ-એપ્રિલ), ચિત્ર પૌર્ણિમા (એપ્રિલ-મે) અને વૈકાશી વિશાકમ (મે-જૂન) તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ભક્તિપૂર્વક ઊજવવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આ ધાર્મિક તહેવારોમાં દર્શનાર્થે આવે છે. આ મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર પંગુની ઉત્સવ માનવામાં આવે છે, જે કુલ 13 દિવસ સુધી ચાલે છે.

મંદિરની અન્ય વિશેષતાઓ

અવિરામ કાલ મંડપમ મંદિરના મુખ્ય આકર્ષણમાંથી એક છે, જેમાં કુલ 100 સ્તંભ છે. આ તમામ સ્તંભો પર ખૂબ જ કલાત્મક નક્શીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની ખૂબ જ નાની મૂર્તિ સ્થાપવામાં આવેલી છે જેને વામન મૂર્તિ પણ કહેવામાં આવે છે. આ મંદિરના પ્રાંગણમાં દીવાલોની સાથે 1008 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં છે

  • Follow us on: