- ભાદરવાની ચોથથી ગણેશ મહોત્સવ શરૂ થાય છે
- ગણેશમહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે
- આ તહેવાર મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક વગેરે સ્થળોએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે
ગણેશ ચતુર્થી ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ આમાં ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ આવતી ગણેશ ચતુર્થીનું ( Ganesh Chaturthi 2024) વિશેષ મહત્વ છે. ભાદરવાની ચોથથી ગણેશ મહોત્સવ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશ પ્રગટ થયા હતા. ગણેશમહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે, જે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. આ દિવસો દરમિયાન, બાપ્પા ગણપતિ ઘર અને જાહેર પંડાલોમાં વિધિપૂર્વક બિરાજે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ તહેવાર મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક વગેરે સ્થળોએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીની તારીખ, શુભ સમય અને મહત્વ વિશે…
ક્યારે છે ગણેશ ચતુર્થી 2024?
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્થી 6 સપ્ટેમ્બર બપોરે 3 કલાક શરૂ થશે જે 7 સપ્ટેમ્બર સાંજે 5 કલાક 37 મિનિટે સમાપ્ત થશે. ઉદયા તિથિને જોતા ગણેશ ચતુર્થીનું પર્વ 7 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.
ક્યારે કરી શકાશે ગણેશજીની સ્થાપના ?
ગણેશજીની સ્થાપના 7 સપ્ટેમ્બરે સવારે 11 કલાક 3 મિનિટથી બપોરે 1 કલાક 31 મિનિટ સુધી કરી શકાશે. આ દિવસે તમને પૂજા કરવા માટે 2 કલાક 31 મિનિટનો સમય મળશે.
ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શન કરવા વર્જીત
ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શન કરવાથી અશુભ થાય છે. ભૂલથી ચંદ્ર દર્શન થઇ જાય તો કલંક લાગે છે આથી ચંદ્ર દર્શન કરવાનું ટાળવુ જોઇએ.
અનંત ચતુર્થી 2024 ક્યારે છે
આ વર્ષે અનંત ચતુર્દશીનો તહેવાર 16 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે.
ગણેશ ચતુર્થીપર શુભ યોગ રચાઈ રહ્યો છે
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી પર ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે 12.34 સુધી છે. આ પછી સ્વાતિ નક્ષત્ર દેખાશે. આ સાથે આજે બ્રહ્મ અને ઈન્દ્ર યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 8 ઓગસ્ટના રોજ બપોરે 12:34 થી સવારે 6:15 સુધી છે.
દેશના ખૂણે ખૂણે ગણેશ ચતુર્થીના અલગ-અલગ નામ છે
ગણેશ ચતુર્થીને દેશભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાતીમાં તેને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, મહારાષ્ટ્રમાં તેને ગણેશોત્સવ તરીકે ઓળખવામાં આવે છે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તે વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે અને તમિલનાડુમાં તે વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે.
ગણેશ ચતુર્થીનું મહત્વ
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને સુખ, ધન, બુદ્ધિના દાતા માનવામાં આવે છે. ભગવાન ગણેશને ઘરમાં રાખવાથી શુભ ફળ મળે છે. તેનાથી જીવનમાં આવનાર દરેક સંકટનો અંત આવી શકે છે.