• અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર વ્રત એટલે કેવડાત્રીજ
  • સ્ત્રી કે કુમારિકાએ તલ અને આમળાના ચૂરણથી સ્નાન કરવું.
  • રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવમંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવી પૂજા કરવી

કેવડા ત્રીજ એટલે કે હરિતાલિકા વ્રત. હરિતા નામની સખી ઉપરથી આ વ્રતનું નામાભિધાન થયું છે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રી અને કુંવારિકા બંને માટે છે. પરિણીત સ્ત્રી અખંડિત સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા-મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે. અખંડ સૌભાગ્ય અને પતિ તરફથી ઉત્તમ સુખ તથા રિદ્ધિ-સિદ્ધિ એ પ્રત્યેક આર્ય નારીના જીવનની અભિલાષા હોય છે. કુમારિકા પોતાને યોગ્ય પતિ મળે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે. પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા આ દિવસે વ્રત વિધિ-વિધાન કરીને તથા ઉપવાસ કરીને સદાશિવની પૂજનવિધિ કરી હતી. આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યા હતાં.

આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે

આ દિવસે પરિણીત સ્ત્રી કે કુમારિકાએ પ્રાત:કાળે ઊઠી તલ અને આમળાના ચૂરણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવીને, વિવિધ મંત્રો દ્વારા એમની અંગપૂજા કરવી, તેમજ ધૂપ-દીપ, નૈવેદ્ય વગેરે પ્રેમપૂર્વક અર્પણ કરવાં. પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી. પરિણીત સ્ત્રીએ નિર્મળ મનથી, પવિત્ર ભાવથી શિવ-વંદના કરી, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ-સિદ્ધિ સાંપડે એવી પ્રાર્થના કરવી. આ દિવસે ફળાહાર કરવો, જો શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, પરિણીતાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ને કુમારિકાને યોગ્ય પતિ મળે છે, તેમજ આ વ્રત કરનાર પરલોકમાં પણ ઉત્તમ ગતિને પામે છે અને શિવલોકમાં તેનો વાસ થાય છે.

કેવડાને પિનાકપાણિનો શાપ

એક એવી કિંવદંતી છે કે આ સુગંધિત કેવડા પુષ્પે એક વિવાદસ્પદ ઘટના ઘટી હતી ત્યારે અસત્ય બોલીને સાક્ષી પૂરી હતી. આથી શિવજીએ ક્રોધાવેશમાં કેવડા પુષ્પને શાપ આપ્યો કે, `હે કેવડા પુષ્પ! તું અતિ સુગંધિત હોવા છતાં હવે પછી તને કોઈ પણ દેવપૂજામાં સ્થાન નહીં મળે. ભક્તો કે પૂજારીઓ તને પૂજામાં નહીં ચઢાવે અને પૂજામાં કોઈ ભૂલથી પણ કેવડા પુષ્પ ચડાવશે તો તારાથી થયેલી પૂજાનો કોઈ દેવી કે દેવ સ્વીકાર નહીં કરે.'

ભાદરવા સુદ ત્રીજના રોજ શંકર ભગવાનને કેવડા પુષ્પ ભક્તો પ્રેમપૂર્વક ચડાવે

શિવજીના શાપનો ભોગ બનેલો કેવડો તે દિવસથી પૂજનમાં ત્યાજ્ય એટલે કે વર્જ્ય બન્યો. એવું કહેવાય છે કે, ભાદરવા સુદ ત્રીજના દિવસે પાર્વતીજીએ ભૂલથી ભગવાન શંકરને કેવડાનું પુષ્પ તોડાવી ભક્તિભાવપૂર્વક તેમનું પૂજન-અર્ચન કર્યું. તે દિવસથી શિવજીએ જાહેર કર્યું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ તેમને કેવડા પુષ્પ ચડાવી પૂજા કરશે તેની પૂજાનો આ એક દિવસ પૂરતો સ્વીકાર કરવામાં આવશે. આ રીતે વર્જ્ય સુગંધિત કેવડા પુષ્પને વર્ષમાં એક દિવસ ભગવાન સદાશિવની પૂજામાં સૌભાગ્ય પ્રાપ્ત થયું અને કેવડા પુષ્પનું જીવન સાર્થક થયું. આમ, ભાદરવા સુદ ત્રીજના રોજ શંકર ભગવાનને કેવડા પુષ્પ ભક્તો પ્રેમપૂર્વક શિવજીને ચડાવે છે.


  • Follow us on: