- શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારો સાથે યજ્ઞ કરાવાય
- અલગ અલગ સંકલ્પ માટે યજ્ઞ થાય
- સોળ સંસ્કારોમાં અગ્નિદેવતાનું ખુબ મહત્ત્વ
ભારતીય સંસ્કૃત્તિમાં હોમ-હવન અને દાન-પુણ્યનુ અનોખુ મહત્ત્વ છે. યજ્ઞ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારો સાથે બ્રાહ્મણો દ્વારા કર્મ કરાવાય છે આ યજ્ઞ અલગ અલગ હેતુથી કરવામાં આવે છે. ગ્રહ પ્રવેશ, લગ્ન કે વાસ્તુ લેતી વખતે યજ્ઞ પ્રગટાવી અગ્નીની સાક્ષીએ વિધી કરવામાં આવે છે.
આપણે ત્યાં હવન કરવાનુ વિધાન
અગ્નિમાં તપીને સોનું જેવી રીતે શુદ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાનાં શિખરો પર ચઢે છે અને દેવતત્ત્વના રસ્તે આગળ વધે છે. યજ્ઞોના મહિમાનો કોઈ અંત નથી. યજ્ઞ ભારતીય સંસ્કૃતિ અનુસાર ઋષિ-મુનિઓ દ્વારા જગતને આપવામાં આવેલી એવી મહત્વપૂર્ણ દેન છે, જેને સૌથી વધારે ફળદાયી તથા પર્યાવરણ શુદ્ધ રાખવાનો આધાર માનવામાં આવે છે. `અર્થ યજ્ઞો વિશ્વસ્ય ભુવનસ્ય નાભિ:।' કહીને ઋષિઓએ યજ્ઞને સંસારની સૃષ્ટિનો આધારબિંદુ કહ્યો છે.
શ્રીકૃષ્ણએ કહ્યું છે કે,
સહયજ્ઞા: પ્રજા: સૃષ્ટા પુરોવાય પ્રજાપતિ:।
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોડસ્તિવષ્ટ કામધુક્॥
અર્થાત્ પ્રજાપિતા બ્રહ્માએ કલ્પના આદિમાં યજ્ઞસહિત પ્રજાઓને રચીને તેમને કહ્યું કે તમે લોકો આ યજ્ઞકર્મ દ્વારા વૃદ્ધિ મેળવશો અને યજ્ઞ તમને લોકોને ઈચ્છિત ભોગ પ્રદાન કરનારો હો. સંસ્કૃતના યજ્ઞ ધાતુથી બનેલો શબ્દ યજ્ઞ દેવ, પૂજન, દાન તથા દુનિયાને સમર્થ-સશક્ત બનાવશે.
મહર્ષિ દયાનંદે યજ્ઞના મહત્ત્વનું વર્ણન કર્યુ
મહર્ષિ દયાનંદે યજ્ઞના મહત્ત્વનું વર્ણન કરતાં એક બહુ સારું ઉદાહરણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, `ઘરમાં એકાદ કિલો જીરું પડ્યું હોય તો તેની સુગંધ કોઈને પણ નથી આવતી, પરંતુ ઘરની ગૃહિણી તેમાંથી બે ગ્રામ જીરું લઈને જ્યારે તેનો વઘાર કરે છે ત્યારે તે ઘરની સાથેસાથે આજુબાજુનાં ઘર અને વાતાવરણ પણ સુગંધમય બની જાય છે. યજ્ઞની ઊર્જા પણ આ રીતે સમગ્ર વાતાવરણમાં પ્રસરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે.'
રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરીને ચાર પુત્રો મેળવ્યા
આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરીને ચાર પુત્રો મેળવ્યા હતા. દેવરાજ ઈન્દ્રએ પણ યજ્ઞો દ્વારા જ બધું મેળવ્યું હતું. પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિ માટે, કોઈ અભિષ્ટની પૂર્તિ માટે, વાયુમંડળમાંથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતાં તત્ત્વોનું અવમૂલ્યન કરવા માટે હવન-યજ્ઞ વગેરે કરવામાં આવતા હતા અને તેનું પરિણામ પણ એવું જ શુભ ફળદાયી હતું.