- આ વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપો નાશ પામે છે
- કામિકા એકાદશીનું વ્રત કરવાથી જન્મ-મૃત્યુના ચક્કરથી મુક્તિ મળે છે
- ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગા જળથી શુદ્ધ કરો
આ વર્ષે કામિની એકાદશીનું વ્રત 31 જુલાઈ, બુધવારે છે. કામિની એકાદશીને કામિકા એકાદશી પણ કહેવાય છે આ એકાદશી પર દિવસભર સર્વાર્થ સિદ્ધિ યોગ રચાય છે. કામિકા એકાદશી વ્રત દર વર્ષે અષાઢ વદ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપો નાશ પામે છે અને જીવનના અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ કામ કરો
એવી માન્યતા છે કે કામિકા એકાદશીનું વ્રત કરવાથી જન્મ-મૃત્યુના ચક્કરથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ પ્રમાણે પૂજા કરો અને તેમને પૂજા માટે સામગ્રી તરીકે ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત વગેરે અર્પણ કરો. આ સિવાય ઉપવાસ કરનારાઓએ આઠ પ્રહર માટે નિર્જળા ઉપવાસ રાખવા જોઈએ. તેમજ મનમાં નારાયણનું ધ્યાન કરતા રહો. આ દિવસે ગરીબોને ભોજન કરાવવું અને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
કામિકા એકાદશીનું મહત્વ
પદ્મ પુરાણ અનુસાર, જે વ્યક્તિ ભગવાન શ્રીધરની પૂજા કરે છે, તે ગંધર્વ અને નાગ સહિત તમામ દેવતાઓની પૂજા કરે છે. આ એકાદશીએ જે વ્યક્તિ તેનો મહિમા ભક્તિથી સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના ચરણોમાં જાય છે. ખાસ કરીને આ દિવસે તુલસીના પાનનો ઉપયોગ કરવાથી વ્રતનું મહત્વ વધુ વધી જાય છે. કામિની એકાદશીના વ્રત દરમિયાન કરવામાં આવતા દાનનું પણ વિશેષ મહત્વ છે, જેના કારણે વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વ્રતની અસરથી વ્યક્તિનું મન, વચન અને કર્મ શુદ્ધ થાય છે અને તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
કામિકા એકાદશીની પૂજા પદ્ધતિ
આ દિવસે સવારે સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગા જળથી શુદ્ધ કરો. બાજોઠ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ધૂપ, દીપ, ફૂલ, ચંદન, અક્ષત અને નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો. પૂજામાં તુલસીના પાનનું વિશેષ મહત્વ છે, તેથી તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરો. આ પછી વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતાનો પાઠ કરો અને વિષ્ણુ મંત્રોનો જાપ કરો. “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો વિશેષ લાભદાયક છે. દિવસભર ઉપવાસ રાખો, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને સત્કર્મ કરો.