• ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાથી પ્રકૃ્ત્તિને નથી થતુ નુકસાન
  • ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય
  • હાનિકારક કેમિકલ ન હોવાથી નથી થતુ કોઇ નુકસાન

ગણેશ ચતુર્થીનો તહેવાર હિન્દુઓ માટે ખૂબ જ વિશેષ છે. આ તહેવાર પર ગણેશની પૂજા કરવામાં આવે છે, જેને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. હવે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરે ગણેશ શા માટે સ્થાપિત કરવામાં આવે છે. શિવપુરાણ અનુસાર, ગણેશના જન્મની દંતકથામાં કહેવામાં આવે છે કે 'દેવી પાર્વતીએ પુત્રમાં ફેરવવાની ઇચ્છાથી માટીની મૂર્તિ બનાવી હતી. તે ભગવાન ગણેશ હતા. આ સિવાય શિવ મહાપુરાણમાં અન્ય કોઈ સામગ્રીની મૂર્તિને નહીં પરંતુ રેતીની મૂર્તિને મહત્વ આપવામાં આવ્યું છે.


માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે

જો તમે લિંગ પુરાણને ધ્યાનમાં લો, તો તેના અનુસાર શમી અથવા પીપળાના ઝાડની મૂળમાંથી મૂર્તિ બનાવવી શુભ છે. આ સાથે ગંગા મંદિર અને અન્ય પવિત્ર સ્થળોથી માટી લઈને ગણપતિ પણ બનાવી શકાય છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ દૂર થશે. ભવિષ્યપુરાણ અનુસાર સોના, ચાંદી અને તાંબાની બનેલી મૂર્તિઓ તેમજ માટીની મૂર્તિઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ સિવાય ખાસ વૃક્ષની લાકડાની બનેલી મૂર્તિઓ પણ પવિત્ર છે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય 

પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા ઇકો ફ્રેન્ડલી (માટીના) ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્લાસ્ટર ઓફ પેરિસના (POP) બદલે માટીના ગણપતિની પધરામણી કરવી. કોરોનાકાળમાં આપણે સ્વાસ્થય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે. ત્યારે જ આપણને શ્રેષ્ઠત્તમ વાતાવરણમાં ઓક્સિજન , શુધ્ધ પાણી અને હવા મળી રહે અને જેના થકી આરોગ્યપ્રદ જીવન જીવી શકાય.


ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ફાયદા

ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન પર્યાવરણ અને આરોગ્યને શ્રેષ્ઠ અને ઉત્તમ રાખવા અનિવાર્ય છે. ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. પી.ઓ.પી.ની સરખામણીમાં ઇકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિ બનાવવામાં મહેનત-મજૂરી વધારે છે, લેબર કોસ્ટ વધારે આવે છે, છતાં પણ પ્રકૃતિના સંવર્ધનને કેન્દ્ર સ્થાને રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ફાયદા થાય છે. 

કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે

ઇકો ફ્રેન્ડલી ગણપતિને સુંદર બનાવવા માટે કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પાણીના દૂષિત થવાનો અને અન્ય કોઇપણ પ્રકારની બીમારી ફેલાવવાનો ભય ઓછો રહે છે. પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જ્યારે પી.ઓ.પી.માંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીની ગુણવત્તા બગડે છે. મૂર્તિઓના રાસાયણિક રંગોથી પાકને પણ ઘણી અસર થાય છે. દૂષિત પાણીથી ઉગાડવામાં આવતા શાકભાજીની સાથે સાથે હાનિકારક તત્વો પણ ઘર ઘર સુધી પહોંચે છે.


લેસ, નાડાછડી, નાનાં-મોટાં તકતાંની જરૂર પડે

ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં નાળિયેરનાં છોતરાં, દોરી, લેસ, નાડાછડી, નાનાં-મોટાં તકતાંની જરૂર પડે છે. ગણેશજીની પેપર પૂઠાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. પેપર અને પુઠાથી જે ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે તેનો સૌથી મોટો બેનિફિટ એ છે કે, આ પ્રતિમાને સરળતાથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડી શકાય છે. આ મૂર્તિનું વજન ઘણું ઓછું હોય છે. આ ઉપરાંત આ પ્રતિમા તૂટવાનો કે ખંડિત થવાનો ભય પણ ઓછો રહે છે. આ ઉપરાંત પ્રતિમા કાગળ પૂઠાની બની હોવાના કારણે પાણીમાં વિસર્જન થતાં જ તે પાણીમાં સાથે ભળી જાય છે અને આ પ્રતિમા કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી.

  • Follow us on: