• મંદિરમાં ગણેશજી, કાર્તિકેય અને માતા ગૌરીના નાનાં મંદિરો પણ છે
  • ગૌરી મંદિરમાં માતા પાર્વતીની કાળા રંગની પ્રતિમા છે
  • શાલિગ્રામના રૂપમાં ભગવાન વિષ્ણુ અહીં ઉપસ્થિત છે

ભારતમાં ભગવાન શિવનાં અનેક મંદિર છે અને દરેક મંદિર સૌની આસ્થાનું કેન્દ્ર છે. ભારતમાં આવેલાં કેટલાંક શિવમંદિરોનો પોતાનો પ્રાચીન ઇતિહાસ હોય છે. શિવમંદિરોને લઈને આશ્ચર્યની વાત એ પણ છે કે, ભારતનાં મોટાભાગનાં મંદિરો ખૂબ જ પુરાતન છે તોય આજે પણ સારી હાલતમાં છે! આ મંદિરોનું નિર્માણ ખરેખર પ્રશંસનીય છે. આવું જ એક શિવમંદિર ઓરિસાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલું છે. આ મંદિરને લિંગરાજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે એ તે હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શિવના એક રૂપ `હરિહર'ને સમર્પિત છે.

ભગવાન શિવ સંગ ભગવાન વિષ્ણુની પૂજા

આમ તો આ મંદિર ભગવાન શિવને જ સમર્પિત છે, પરંતુ શાલિગ્રામના રૂપમાં ભગવાન વિષ્ણુ પણ અહીં ઉપસ્થિત છે. ભારતમાં એવાં બહુ જ ઓછાં મંદિરો છે જ્યાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને એક જ રૂપમાં વસેલા જોવા મળે છે.

લિંગરાજ મંદિરનો પુરાણોમાં ઉલ્લેખ

આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને ભારતીય પુરાણોમાં પણ આ મંદિર વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક પૌરાણિક કથા પ્રમાણે એક વાર ભગવાન શિવે જ્યારે માતા પાર્વતીને ભુવનેશ્વર સ્થળ વિશેની વાત કરી હતી ત્યારે માતા પાર્વતીએ આ ભુવનેશ્વર સ્થળ શોધવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેઓ ભુવનેશ્વર શોધવા નીકળી પડ્યા. જ્યારે માતા પાર્વતી ભુવનેશ્વર સ્થળ શોધતાં હતાં ત્યારે તેમની પાછળ લિટ્ટી અને વસા નામના બે રાક્ષસ પડ્યા હતા. આ રાક્ષસોએ માતા પાર્વતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ માતા પાર્વતીએ તેમને સખત મનાઈ ફરમાવી દીધી હતી તેમ છતાં રાક્ષસોએ તેમનો પીછો છોડ્યો નહોતો.

ભગવાન શિવ અવતરિત થયા

અંતે માતા પાર્વતીએ ક્રોધિત થઈને તે બંને રાક્ષસોનો વધ કરી નાખ્યો હતો. રાક્ષસો સાથેના યુદ્ધમાં માતા પાર્વતીને ખૂબ તરસ લાગી હતી ત્યારે ભગવાન શિવ અવતરિત થયા અને તમામ પવિત્ર નદીઓને આહ્વાન કર્યું. ત્યારબાદ તેમણે તે જગ્યા પર બિન્દુસાગર સરોવરનું નિર્માણ કર્યું અને ભુવનેશ્વર સ્થળનું નિર્માણ પણ થયું. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતી ભુવનેશ્વરમાં ઘણો સમય રોકાયાં હતાં. બિન્દુસાગર સરોવર નજીક જ લિંગરાજનું મોટું મંદિર આવેલું છે.

લિંગરાજ મંદિરની અનોખી કોતરણી

આ મંદિરની કોતરણી ખૂબ જ આકર્ષક છે અને તેમાં ઉચ્ચ પ્રકારનું નકશીકામ કરવામાં આવ્યું છે. મંદિરમાં અન્ય નાનાં મંદિર પણ છે જેમાં ભગવાન ગણેશ, કાર્તિકેય અને ગૌરીનો સમાવેશ થાય છે. ગૌરી મંદિરમાં માતા પાર્વતીની કાળા રંગની પ્રતિમા છે. મંદિરનું પ્રાંગણ વિશાળ છે અને શિખરની ઊંચાઈ 180 ફૂટ છે. મુખ્ય મંદિર 55 મીટર લાંબું છે અને તેમાં અંદાજિત 40થી 50 અન્ય મંદિરો પણ આવેલાં છે. આ મંદિરમાં રેતીના પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

નાનાં દ્વાર ઉત્તર અને દક્ષિણ દિશા તરફ બનેલાં

મંદિરનું મુખ્ય દ્વાર પૂર્વની તરફ છે, જ્યારે અન્ય નાનાં દ્વાર ઉત્તર અને દક્ષિણ દિશા તરફ બનેલાં છે. વાસ્તુકલાની દૃષ્ટિએ લિંગરાજ મંદિર, જગન્નાથ પુરી મંદિર અને કોણાર્ક મંદિર લગભગ એકસમાન વિશેષતાઓ ધરાવે છે. બહારથી જોતાં મંદિરે જાણે ચારેય તરફથી મોટો ગજરો પહેર્યો હોય તેવું દેખાય છે. આ મંદિરના કુલ ચાર ભાગ છે. જેમાં યજ્ઞશાળા, ભોગમંડપ અને નાટ્યશાળાનો પણ સમાવેશ થાય છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર કલિંગ વાસ્તુશૈલી અને ઓરિસા શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

શિવરાત્રીના સમયમાં અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા 2 લાખથી પણ વધુની થવા પામતી હોય છે. પ્રતિવર્ષ એપ્રિલ મહિનામાં રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાય છે. શ્રાવણમાં પણ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉભરાતું હોય છે.

  • Follow us on: