અયોધ્યાના પવિત્ર રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વના સૌપ્રથમ 'શ્રી રામ યંત્ર' ની સ્થાપના થવા જઈ રહી છે. આ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સનાતન પરંપરાના જ્યોતિષીય અને વૈદિક વિજ્ઞાનનો અદભૂત નમૂનો છે.

વિશ્વના પ્રથમ 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી મંદિરમાં પૂજાતા આ દૈવી યંત્રને 19 માર્ચ, ૨૦૨૬ (ચૈત્ર શુક્લ પ્રતિપદા) ના રોજ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના અભિજિત મુહૂર્ત દરમિયાન બપોરે બરાબર 11.55 વાગ્યે કરવામાં આવશે. આ ખાસ પ્રસંગ માટે અયોધ્યામાં નવ દિવસની ભવ્ય ધાર્મિક વિધિઓ અને વૈદિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના પ્રકાંડ વિદ્વાનો હાજરી આપશે.

શ્રી રામ યંત્રનું રહસ્ય

સનાતન પરંપરામાં યંત્રોને દેવતાઓની દૈવી શક્તિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષીના જણાવ્યા મુજબ જેમ વ્યક્તિની કુંડળી ગ્રહોની સ્થિતિ દર્શાવે છે, તેમ શ્રી રામ યંત્ર પણ ભગવાન રામના ગુણો અને ઉર્જાનું ભૌમિતિક પ્રતિનિધિત્વ છે. આ યંત્રની સ્થાપનાથી મંદિર પરિસરની આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતામાં અનેકગણો વધારો થશે તેવી માન્યતા છે.

જ્યોતિષીય મહત્વ

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ યંત્ર અત્યંત પ્રભાવશાળી છે-
ગુરુ ગ્રહનો પ્રભાવ: ભગવાન રામનો જન્મ કર્ક લગ્નમાં થયો હતો, જ્યાં ગુરુ ઉચ્ચનો હોવાથી 'ગજકેસરી યોગ' બને છે. આ યંત્ર ગુરુ ગ્રહની ઉર્જા સાથે જોડાયેલું છે, જે જ્ઞાન, ન્યાય અને નૈતિકતાનું પ્રતીક છે.
સૂર્યવંશનું તેજ: ભગવાન રામ સૂર્યવંશી હોવાથી આ યંત્ર સૂર્યના તેજ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિને પણ પ્રતિબિંબિત કરે છે.