ઉત્તરાખંડમાં આવેલું આ પવિત્ર ધામ ભગવાન વિષ્ણુના મુખ્ય ધામોમાંનું એક માનવામાં આવે છે. આ સ્થળ તેની ધાર્મિક મહત્તા સાથે અનેક અનોખી પરંપરાઓ માટે પણ જાણીતું છે. તેમાંની એક ખાસ પરંપરા છે, અહીં પૂજા દરમિયાન શંખ ન વગાડવો.


આ બાબતને લઈને લોકોમાં ઘણીવાર પ્રશ્ન થાય છે કે ભગવાન વિષ્ણુને શંખ પ્રિય હોવા છતાં અહીં શંખ કેમ નથી વગાડવામાં આવતો? આવો જાણીએ તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો.

ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ

કહેવાય છે કે આ સ્થાન ભગવાન વિષ્ણુની તપોભૂમિ રહ્યું છે, જ્યાં તેમણે લાંબા સમય સુધી ધ્યાન કર્યું હતું. આ વિસ્તારની શાંતિ જળવાઈ રહે તે માટે શંખનાદ કરવામાં આવતો નથી, કારણ કે તેના તીવ્ર અવાજ સાધનામાં વિક્ષેપ પેદા કરી શકે છે.

બીજી માન્યતા મુજબ, જ્યારે માતા લક્ષ્મી ધ્યાનમાં લીન હતાં, ત્યારે ભગવાન વિષ્ણુએ એક રાક્ષસનો સંહાર કર્યો હતો. સામાન્ય રીતે વિજય પછી શંખ વગાડવામાં આવે છે, પરંતુ માતા લક્ષ્મીની સાધના ભંગ ન થાય તે માટે ભગવાન વિષ્ણુએ શંખ ન વગાડ્યો. ત્યારથી અહીં આ પરંપરા ચાલી રહી છે.

અન્ય પૌરાણિક કથા

એક કથા મુજબ, એક રાક્ષસ શંખની અંદર છુપાઈ ગયો હતો. માન્યતા હતી કે જો શંખ વગાડવામાં આવશે તો તે બહાર આવીને લોકો અને પ્રકૃતિને નુકસાન પહોંચાડી શકે. તેથી અહીં શંખ ન વગાડવાની પરંપરા શરૂ થઈ.

સર્પ સાથે જોડાયેલી માન્યતા

હિંદુ પરંપરામાં 'નાગ'ને માત્ર સાપ નહીં પરંતુ દૈવી અને શક્તિશાળી પ્રાણી માનવામાં આવે છે. હિમાલય વિસ્તાર, ખાસ કરીને બદ્રીનાથ આસપાસ, નાગોના નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે. માન્યતા છે કે શંખનો અવાજ ખૂબ જ તીવ્ર અને કંપનકારક હોય છે, જે સર્પદેવતાઓને અસ્વસ્થ બનાવી શકે છે.

જૂના સમયમાં લોકો પ્રકૃતિના દરેક તત્વને જીવંત માનતા હતા. જો નાગો ક્રોધિત થાય તો તે પ્રકૃતિના સંતુલન બગડવાનું સંકેત માનવામાં આવતું—જેમ કે હવામાનમાં અચાનક ફેરફાર અથવા ભૂસ્ખલન.

વૈજ્ઞાનિક કારણ

કેટલાક લોકો આ પરંપરાને વૈજ્ઞાનિક રીતે પણ સમજાવે છે. બદ્રીનાથ પહાડી અને હિમવર્ષાવાળો વિસ્તાર છે. શંખનો તેજ ધ્વનિ પર્વતો સાથે અથડાઈ ગૂંજન પેદા કરી શકે છે, જે બરફમાં તિરાડ અથવા હિમસ્ખલન જેવી પરિસ્થિતિ સર્જી શકે છે.

આ પણ વાંચો: Nautapa 2026: સાવધાન 25 મેથી પડશે ભયંકર ગરમી, 9 દિવસ રહેશે નૌતપાનો પ્રકોપ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: