મથુરા, વૃંદાવન, બરસાના અને નંદગાંવમાં ઉજવાતી હોળી જોવા દર વર્ષે હજારો ભક્તો અને પર્યટકો ઉમટી પડે છે. ખાસ કરીને લાડૂ માર હોળી અને લઠ્ઠમાર હોળી વ્રજની ઓળખ બની ગઈ છે. પરંતુ આ અનોખી પરંપરાઓ કેવી રીતે શરૂ થઈ, તે જાણવું પણ રસપ્રદ છે.

લઠ્ઠમાર હોળીની કથા

લઠ્ઠમાર હોળી મુખ્યત્વે બરસાના અને નંદગાંવમાં રમાય છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સખાઓ સાથે બરસાના જે રાધા રાણીનું ગામ છે ત્યાં હોળી રમવા જતા. ત્યાં કૃષ્ણ અને તેમના મિત્રો રાધા અને તેમની સખીઓને રંગ લગાવતા અને રમૂજી છેડછાડ કરતા. તેના જવાબમાં રાધાની સખીઓ કૃષ્ણ અને તેમના સખાઓને લાકડીઓ (લાઠી)થી હળવી મજાકમાં મારતી. આથી લઠ્ઠમાર હોળીની પરંપરા શરૂ થઈ. આજેય નંદગાંવના પુરુષો બરસાના આવે છે અને મહિલાઓ પ્રતિકાત્મક રીતે લાઠીથી મારતી હોય છે, જ્યારે પુરુષો ઢાલ વડે બચાવ કરે છે. આખો કાર્યક્રમ હાસ્ય, આનંદ અને ભક્તિથી ભરેલો હોય છે.

લાડૂ માર હોળીની પરંપરા

લાડૂ માર હોળી બરસાનાના શ્રી રાધા રાણી મંદિરમાં ઉજવાય છે. પરંપરા મુજબ નંદગાંવના પુજારીઓ બરસાના આવે છે અને તેમના સ્વાગતમાં રંગો સાથે લાડૂઓની વર્ષા કરવામાં આવે છે. આ પરંપરા પ્રેમ, સ્નેહ અને આતિથ્યનું પ્રતિક માનવામાં આવે છે. ભક્તો આ લાડૂઓને પ્રસાદ રૂપે સ્વીકારે છે.

આધ્યાત્મિક મહત્વ

વ્રજની હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમનો ઉત્સવ છે. અહીં હોળી ઘણા દિવસો સુધી વિવિધ સ્વરૂપોમાં ઉજવાય છે. ફૂલોની હોળી, રંગોની હોળી અને રાસલીલાની સાથે.

આ પરંપરા આજે સાંસ્કૃતિક વારસો બની ગઈ છે, જે દર વર્ષે લાખો લોકોને પ્રેમ, આનંદ અને ભક્તિના રંગમાં રંગી દે છે.

આ પણ વાંચો: Lord Shiva : ભગવાન શિવને પ્રિય છે આ રાશિના જાતકો, મહાશિવરાત્રિ પર રહેશે વિશેષ કૃપા

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)