ભારતમાં પણ ચંદ્રગ્રહણનો પ્રભાવ જોવા મળશે, તેથી તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને અશુભ ગણવામાં આવે છે. પૌરાણિક કથાઓ અને માન્યતાઓ અનુસાર, રાહુ અને કેતુ, જે છાયા ગ્રહો છે, તેઓ ચંદ્રમાને ગ્રસે છે, જેના કારણે ગ્રહણ લાગે છે. ચાલો, ચંદ્રગ્રહણની પૌરાણિક કથા વિગતે જાણીએ.

ચંદ્રગ્રહણની પૌરાણિક કથા

ચંદ્રગ્રહણ પાછળનું કારણ એક પૌરાણિક કથામાં વર્ણવાયું છે. માન્યતા છે કે સમુદ્ર મન્થન દરમિયાન જ્યારે અમૃતનો કળશ બહાર આવ્યો, ત્યારે દેવતાઓમાં અમૃત વહેંચવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું. જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપે દેવતાઓને એક પછી એક અમૃત પીવડાવી રહ્યા હતા, ત્યારે એક અસુર દેવતાનું રૂપ ધારણ કરીને પંક્તિમાં ઉભો રહી ગયો.

સુદર્શન ચક્રથી અલગ થયુ અસુરનુ શિર

સૂર્ય અને ચંદ્રમા વચ્ચે તે અસુર ઊભો રહ્યો. જ્યારે વિષ્ણુજી તેને અમૃત પીવડાવતા હતા, ત્યારે સૂર્ય અને ચંદ્રમાએ અસુરને ઓળખી લીધો અને મોહિનીને સંકેત આપ્યો. પરંતુ તેટલામાં અમૃત અસુરના ગળા સુધી પહોંચી ગયું હતું. ત્યારે મોહિની સ્વરૂપે રહેલા વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી અસુરનું માથું ધડથી અલગ કરી દીધું. અમૃત પાન કરવાને કારણે તે જીવિત રહ્યો. અસુરના શિરને રાહુ અને ધડને કેતુ તરીકે ઓળખવામાં આવ્યા.

રાહુ-કેતુ ચંદ્રમાને ગ્રસે છે

એવું કહેવાય છે કે સૂર્ય અને ચંદ્રમાએ અસુરની ઓળખ આપી હતી, તેથી રાહુ અને કેતુને જ્યારે તક મળે ત્યારે તેઓ સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે. આ કારણસર ગ્રહણકાળને અશુભ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ અમાસના દિવસે જ લાગે છે. આવી સ્થિતિમાં રાહુ-કેતુ સૂર્ય અને ચંદ્રની આસપાસ હાજર હોય છે. સમુદ્ર મન્થનની આ કથાનું વર્ણન પદ્મ પુરાણમાં પણ મળે છે.

આ પણ વાંચો: Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણ, આજે આખો દિવસ રહેશે સૂતક કાળ, ભૂલથી પણ ન કરશો આ કામ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)