દિપોત્સવી મહાપર્વના મંગળ મંડાણ વાઘબારસ અને ધનતેરસના પવિત્ર દિવસથી થાય છે. લોકમાનસમાં સામાન્ય રીતે આ પર્વ સોના-ચાંદી,નવા વાસણો કે કિંમતી આભૂષણોની ખરીદી અને લક્ષ્મી-કુબેરની આરાધના દ્વારા ભૌતિક ધન-સમૃદ્ધિ પામવાનો અવસર બની રહ્યો છે. જોકે,આપણી સનાતન સંસ્કૃતિની દૃષ્ટિ માત્ર બાહ્ય સંપત્તિ સુધી સીમિત નથી;તેની ભીતર એક અત્યંત ઊંડો આધ્યાત્મિક અને જીવનલક્ષી મર્મ છુપાયેલો છે.
ધનતેરસ એટલે કે કાર્તિક વદ ત્રયોદશી માત્ર લક્ષ્મીજીની કૃપા યાચવાનો દિવસ નથી,પરંતુ તે સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટેલા ભગવાન વિષ્ણુના અવતાર અને દેવોના દિવ્ય ચિકિત્સક એવા ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિવસ પણ છે.
આપણા ઋષિમુનિઓએ સદીઓ પહેલાં જ આપણા ધાર્મિક પુસ્તકોમાં ભારપૂર્વક લખેલું છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા'અને સંસ્કૃત સુભાષિત પણ કહે છે કે,'શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્'એ મહાકવિ કાલિદાસ રચિત 'કુમારસંભવમ્'મહાકાવ્યની એક પ્રખ્યાત ઉક્તિ છે,જેનો સરળ અર્થ એ થાય છે કે જીવનના તમામ કર્તવ્યો,જવાબદારીઓ અને ધર્મનું પાલન કરવા માટે 'શરીર'એ જ સૌપ્રથમ અને મુખ્ય સાધન છે.
આ સંસારમાં શિક્ષણ મેળવવું,નોકરી-ધંધો કરવો,કુટુંબનું પાલન-પોષણ કરવું,સામાજિક સેવા કરવી કે પ્રભુ ભક્તિ કરવી-આ બધું જ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ અને નિરોગી હોય. જો શરીર જ રોગિષ્ઠ કે નબળું હોય,તો માણસ ઉત્તમ ઈચ્છા શક્તિ હોવા છતાં પણ કોઈ કાર્ય સફળતાપૂર્વક કરી શકતો નથી;તેથી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી એ મનુષ્યની સૌથી પહેલી ફરજ છે કારણ કે તંદુરસ્ત શરીર જ જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા અને સત્કર્મનો ખરો પાયો છે.
અલબત્ત જે ઘરમાં તિજોરીઓ સોના-ચાંદીથી છલકાતી હોય પણ વ્યક્તિનું શરીર રોગગ્રસ્ત હોય,તો તમામ ભૌતિક વૈભવ વ્યર્થ બની જાય છે. જો કાયા જ સાથ ન આપે તો સંસારના કોઈ પણ ભોગ કે ધનનો વાસ્તવિક આનંદ માણી શકાતો નથી. આ માર્મિક સત્ય આપણને ધનતેરસે યાદ અપાવે છે કે સાચું અને સર્વોપરી ધન આરોગ્ય છે. ભગવાન ધન્વંતરિનું પૂજન એ માત્ર એક પરંપરાગત કર્મકાંડ નથી,પરંતુ આયુર્વેદ,સંતુલિત આહારવિહાર,શારીરિક શુદ્ધિ અને માનસિક શાંતિ પ્રત્યેની સભાનતા કેળવવાનો સંકલ્પ છે. ધન્વંતરિના હાથમાં રહેલો અમૃત કળશ દીર્ઘાયુષ્ય,નિરોગી જીવન અને કલ્યાણકારી ચેતનાનું પ્રતીક છે. તેથી જ ધનતેરસના દિવસે સંપત્તિની સાથે સ્વાસ્થ્યના દેવની સ્તુતિ કરવી અનિવાર્ય બને છે.
આજના અતિવ્યસ્ત અને તણાવપૂર્ણ યુગમાં જ્યારે જીવનશૈલી રોગોથી ઘેરાયેલી છે,ત્યારે ધનતેરસનું આ ચિંતન વધુ પ્રસ્તુત બને છે. આવો,આ ધનતેરસે લક્ષ્મીજીના વરદાનરૂપે ભૌતિક ઐશ્વર્યની કામના સાથે સાથે ભગવાન ધન્વંતરિની ઉપાસના કરી નિરોગી કાયા,સાત્ત્વિક જીવનશૈલી અને અમૃતતુલ્ય સ્વાસ્થ્યનું સાચું ધન મેળવવાનો સંકલ્પ કરીએ. સાથેસાથે ધનતેરસ અને ધન્વંતરી સાથે જોડાયેલી કથાઓ વિશે પણ વિસ્તારથી જાણીએ.
સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ સાથે પ્રાગટ્ય
સૌથી પ્રચલિત કથા અનુસાર,દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ હાથમાં અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા. આ અમૃત કલશ મેળવવા માટે દેવો અને અસુરો વચ્ચે સંગ્રામ થયો હતો. શ્રીમદભાગવદ્ પુરાણ,મહાભારત,વિષ્ણુ પુરાણ અને અગ્નિ પુરાણમાં આ દિવ્ય પ્રાગટ્યનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે.
કાશીના રાજવંશમાં બીજો જન્મ
બ્રહ્મ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં મળતી અન્ય એક કથા મુજબ,કાશી નગરીના સંસ્થાપક કાશના પુત્ર ધન્વ નામના રાજાએ કઠોર તપસ્યા કરીને અબ્જ દેવને પ્રસન્ન કર્યા હતા. તેમણે વરદાન સ્વરૂપે પુત્રની યાચના કરી અને તેમના ઘરે પુત્ર રૂપે ભગવાન ધન્વંતરિનો પુનર્જન્મ થયો. આ ઘટના સમુદ્ર મંથન પછીનો તેમનો બીજો અવતાર માનવામાં આવે છે.
ઋષિ ગાલવના આશીર્વાદની કથા
એક અન્ય કથા અનુસાર,એકવાર ગાલવ ઋષિ વનમાં તરસથી વ્યાકુળ થઈને ભટકી રહ્યા હતા. તે સમયે વીરભદ્રા નામની કન્યાએ પોતાના ઘડામાંથી પાણી પીવડાવીને ઋષિની તરસ છીપાવી. ઋષિએ પ્રસન્ન થઈને તેને એક યોગ્ય અને તેજસ્વી પુત્રની માતા બનવાના આશીર્વાદ આપ્યા. વીરભદ્રાએ જ્યારે પોતે વેશ્યા હોવાની વાત જણાવી ત્યારે ઋષિ તેને પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તેમણે દર્ભ (કુશ)માંથી સુંદર પુષ્પાકૃતિ રચીને તેની ગોદમાં મૂકી અને પવિત્ર વેદમંત્રો દ્વારા તેને અભિમંત્રિત કરી પ્રતિષ્ઠિત કરી;જે આગળ જતાં ધન્વંતરિ તરીકે ઓળખાયા.
આયુર્વેદના જનક અને મહર્ષિ સુશ્રુતને ઉપદેશ
ભગવાન ધન્વંતરિ સમગ્ર વિશ્વમાં આયુર્વેદના આદિ જનક ગણાય છે. તેમણે પૃથ્વી પરની તમામ વનસ્પતિઓ અને ઔષધિઓ પર ગહન અધ્યયન કરી તેના ગુણ-દોષ અને રોગનિવારક પ્રભાવોને ઉજાગર કર્યા હતા.
-તેમણે આયુર્વેદના પાયારૂપ મૂળ ગ્રંથ ક્કધન્વંતરિ સંહિતાક્રની રચના કરી હતી.
-આયુર્વેદના મહાન આચાર્ય અને શલ્યચિકિત્સા (સર્જરી)ના પિતામહ મનાતા મહર્ષિ સુશ્રુતે પણ ચિકિત્સાશાસ્ત્રનું જ્ઞાન ભગવાન ધન્વંતરિ પાસેથી જ મેળવ્યું હતું.
-ત્યારબાદ મહર્ષિ ચરક સહિતના અન્ય વિદ્વાનોએ આ સમૃદ્ધ ચિકિત્સા પરંપરાને આગળ ધપાવી હતી. ભગવાન ધન્વંતરિનું દિવ્ય સ્વરૂપ અને પૂજનનું રહસ્ય
શાસ્ત્રોમાં ભગવાન ધન્વંતરિનું સ્વરૂપ ચતુર્ભુજ (ચાર ભુજાઓ ધરાવતું) દર્શાવવામાં આવ્યું છે. તેમના ચારેય હાથમાં વિશિષ્ટ પ્રતીકો રહેલાં છે:
એક હાથમાં આયુર્વેદ ગ્રંથ : જે જ્ઞાન અને ઔષધિ વિજ્ઞાનનું પ્રતીક છે.
બીજા હાથમાં અમૃત/ઔષધિ કલશ : જે આરોગ્ય અને અમરત્વનું પ્રતીક છે.
ત્રીજા હાથમાં દિવ્ય જડીબુટ્ટી : જે રોગનિવારણ અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે.
ચોથા હાથમાં શંખ : જે સકારાત્મક ઊર્જા અને ધ્વનિ તરંગો દ્વારા વાતાવરણની શુદ્ધિ દર્શાવે છે.
આમ,ધનતેરસ માત્ર સોનું કે વાસણ ખરીદવાનો ઉત્સવ નથી,પરંતુ શરીરરૂપી મંદિરને સ્વસ્થ અને પવિત્ર રાખવાનો સંકલ્પ કરવાનો પાવન દિવસ છે. ધનતેરસે ધનની સાથે સાચા સ્વાસ્થ્ય રૂપી ધનની પ્રાપ્તિ માટે ભગવાન ધન્વંતરિની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવી જોઈએ.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
