હિન્દુ ધર્મમાં દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ પર્વને અન્નકૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાની પરંપરા છે. ભક્તો પોતાના ઘરમાં ગાયના છાણથી ગોવર્ધન પર્વતની આકૃતિ બનાવે છે અને વિધિપૂર્વક તેની પૂજા કરે છે.
આ ઉપરાંત ગોવર્ધન પર્વતની સાત પરિક્રમા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. વર્ષ 2026માં 10 નવેમ્બરના રોજ ગોવર્ધન પૂજા કરવામાં આવશે. ત્યારે ચાલો જાણીએ કે ગાયના છાણથી બનાવેલા ગોવર્ધન પર્વતની પરિક્રમા શા માટે કરવામાં આવે છે અને આ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ.
ગોવર્ધન પર્વતની પરિક્રમા શા માટે કરવામાં આવે છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે બ્રજવાસીઓને ઇન્દ્રદેવના કોપથી બચાવવા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યો હતો. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે સતત સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને ઊંચકીને રાખ્યો હતો અને તેની છાયા હેઠળ બ્રજવાસીઓને આશ્રય આપ્યો હતો.

સાત દિવસ બાદ જ્યારે ઇન્દ્રદેવનો અહંકાર તૂટી ગયો ત્યારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણની માફી માગી હતી. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે બ્રજવાસીઓને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીને પર્વત પ્રત્યે આભાર વ્યક્ત કરવાની સલાહ આપી હતી. ધાર્મિક માન્યતા અનુસાર, ત્યારથી ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પરંપરા શરૂ થઈ હતી.
ભગવાન શ્રીકૃષ્ણને ગાય અત્યંત પ્રિય હોવાથી ભક્તો ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવે છે અને તેની પૂજા કરે છે. સાત પરિક્રમા પાછળનું કારણ એ છે કે બ્રજવાસીઓએ સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતની છાયા હેઠળ આશ્રય લીધો હતો. એવી માન્યતા છે કે ગોવર્ધન પૂજાના દિવસે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરવાથી ચારધામની યાત્રા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
ગોવર્ધન પર્વતની પરિક્રમાની સાચી દિશા અને નિયમો
ગોવર્ધન પૂજાના દિવસે પરિક્રમા કરતી વખતે તેની સાચી દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- દક્ષિણાવર્ત પરિક્રમા: ગોવર્ધન પર્વતની પરિક્રમા હંમેશાં ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે દક્ષિણાવર્ત કરવી જોઈએ. આ દરમિયાન તમારો જમણો હાથ પર્વત તરફ હોવો જોઈએ.
- સાત પરિક્રમા: ધાર્મિક માન્યતા અનુસાર ગોવર્ધન પર્વતની સાત પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે.
- મંત્રજાપ: પરિક્રમા કરતી વખતે 'શ્રી કૃષ્ણ શરણં મમ' અથવા 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ.
- જળ અર્પણ: પરિક્રમા શરૂ કરતી વખતે હાથમાં જળ ભરેલો કળશ અથવા લોટો રાખવો. પરિક્રમા દરમિયાન ગોવર્ધન પર્વત પર જળની ધારા અર્પણ કરી શકાય છે.
-પતાશાનો પ્રસાદ: પરિક્રમા દરમિયાન ખીલ અને બતાશા પણ ગોવર્ધન પર્વત પર અર્પણ કરવાની પરંપરા છે.
ગોવર્ધન પૂજામાં આ બાબતોનું પણ રાખો ધ્યાન
ગોવર્ધન પૂજાના દિવસે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
1. ગોવર્ધન પર્વતની આકૃતિ ગાયના છાણમાંથી જ બનાવવી જોઈએ.
2. પૂજા અને પરિક્રમા પૂર્ણ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણને ભોગ અને પ્રસાદ અર્પણ કરવો જોઈએ.
3. આ દિવસે દારૂનું સેવન ટાળવું જોઈએ.
4. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવી જોઈએ.
5. અન્નકૂટના પ્રસાદનું વિતરણ કરીને પરિવારજનો અને અન્ય લોકો સાથે ખુશીઓ વહેંચવી જોઈએ.
આમ, ગોવર્ધન પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ પ્રકૃતિ, ગૌમાતા અને પર્યાવરણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર તહેવાર પણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રદ્ધાપૂર્વક ગોવર્ધન પર્વતની પૂજા અને પરિક્રમા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: Vikram Samvat 2083: નવું વર્ષ લાવશે સુખ-સમૃદ્ધિ કે પડકારો? જાણો તમામ 12 રાશિઓનું વાર્ષિક રાશિ ભવિષ્ય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)