દરેક મહિનામાં કુલ 30 તિથિઓ હોય છે, જેમાં 15 તિથિઓ શુક્લ પક્ષ અને 15 તિથિઓ કૃષ્ણ પક્ષની હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ તિથિઓને મુખ્યત્વે પાંચ શ્રેણીમાં વહેંચવામાં આવી છે નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા. સાદી ભાષામાં આ તિથિને અજવાળીયુ પક્ષ કે અંધારીયુ પક્ષ કહેવામાં આવે છે


નંદા તિથિ

પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશી તિથિને નંદા તિથિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોને નવા કાર્યની શરૂઆત, વ્યવસાય શરૂ કરવા, મહત્વપૂર્ણ યોજનાઓ બનાવવા અને વિકાસલક્ષી કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ તિથિમાં શરૂ કરેલા કાર્યોમાં સ્થિરતા અને પ્રગતિ જોવા મળે છે.

ભદ્રા તિથિ

દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશી તિથિઓ ભદ્રા તિથિ તરીકે ઓળખાય છે. વાહન, જમીન, કિંમતી ધાતુઓ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે આ દિવસો શુભ ગણાય છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા રોકાણો લાભદાયી સાબિત થઈ શકે છે.

જયા તિથિ

તૃતીયા, અષ્ટમી અને ત્રયોદશી જયા તિથિ હેઠળ આવે છે. ‘જયા’નો અર્થ વિજય થાય છે. સ્પર્ધા, કાનૂની બાબતો, મહત્વપૂર્ણ નિર્ણય અને પડકારજનક કાર્યો માટે આ તિથિને અનુકૂળ માનવામાં આવે છે.

રિક્તા તિથિ

ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિઓ રિક્તા તિથિ તરીકે ઓળખાય છે. આ દિવસોમાં લગ્ન, ગૃહપ્રવેશ અથવા નવા શુભ કાર્ય શરૂ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જોકે સારવાર અથવા આરોગ્ય સંબંધિત જરૂરી કાર્યો માટે આ તિથિઓ યોગ્ય માનવામાં આવે છે.

પૂર્ણા તિથિ

પંચમી, દશમી અને પૂર્ણિમા પૂર્ણા તિથિ હેઠળ આવે છે. આ તિથિઓ પૂર્ણતા, સફળતા અને શુભ ફળનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાન, પૂજા-પાઠ અને માંગલિક કાર્યો માટે આ દિવસો અત્યંત શુભ ગણાય છે.

શૂન્ય તિથિ શું છે?

કેટલાક વિશેષ દિવસોને શૂન્ય તિથિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસોમાં નવા શુભ કાર્યો શરૂ કરવાથી ઇચ્છિત પરિણામ ન મળવાની સંભાવના રહે છે. તેથી આવા દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં વિચારવું યોગ્ય માનવામાં આવે છે.

તિથિઓનું જ્ઞાન માત્ર ધાર્મિક પરંપરાનો ભાગ નથી, પરંતુ જીવનના અનેક મહત્વપૂર્ણ કાર્યો માટે યોગ્ય સમય પસંદ કરવામાં પણ માર્ગદર્શન પૂરું પાડે છે.

આ પણ વાંચો: Fengshui Tips: રસોડામાં કરો આ સરળ ફેરફારો, સમૃદ્ધિ કાયમી ઘરમાં રહેશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: