જ્યોતિષ શાસ્ત્રમાં આ સમયને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ સમયથી હોળીની તૈયારીઓ શરૂ થાય છે. માન્યતા મુજબ હોળાષ્ટક શરૂ થયેલા દિવસે ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યા હતા. આ સમય દરમિયાન દરરોજ અલગ-અલગ ગ્રહ ઉગ્ર સ્વરૂપમાં હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

જોકે જન્મ અને મૃત્યુ પછીના સંસ્કાર સંબંધિત કાર્યો કરી શકાય છે. દૃક પંચાંગ મુજબ આ વર્ષે હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ 3 માર્ચે પૂર્ણ થશે. આવો જાણીએ કે આ 8 દિવસ દરમિયાન શું કરવું અને શું નહીં કરવું.

હોળાષ્ટકમાં શું ન કરવું

હોળાષ્ટક દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન અથવા નામકરણ જેવા માંગલિક કાર્યો ટાળવા જોઈએ. માન્યતા છે કે આ સમયમાં કરેલા શુભ કાર્યોમાં અવરોધ આવી શકે છે.

નવો વ્યવસાય શરૂ કરવો, નવું ઘર ખરીદવું અથવા મોટું રોકાણ કરવું પણ ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કામમાં વિલંબ અથવા નુકસાન થઈ શકે છે.

માનસિક તણાવ વધવાની શક્યતા હોવાથી ઝઘડા, ગુસ્સો અથવા વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. તેનાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે.

આ સમય દરમિયાન માંસ, દારૂ અને વધુ મસાલેદાર અથવા તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ, જેથી મન અને શરીર સંતુલિત રહે.

નકારાત્મક વિચારો અને આળસ વધી શકે છે, તેથી ધ્યાન, પૂજા-પાઠ અને સકારાત્મક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જોઈએ.

હોળાષ્ટક દરમિયાન શું કરવું

જ્યોતિષીઓ મુજબ આ 8 દિવસોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનામનો જપ કરવો, ભગવાનનું ધ્યાન કરવું અને નકારાત્મક લોકોથી દૂર રહેવું જોઈએ. કોઈ સાથે બિનજરૂરી વાદ-વિવાદ ન કરવો.

હોળાષ્ટકનું મહત્વ

હોળી પહેલાંના આ 8 દિવસોને તપ, પરીક્ષા અને શ્રદ્ધાનો સમય માનવામાં આવે છે. માન્યતા છે કે આ સમય દરમિયાન અસુર રાજા હિરણ્યકશિપુએ પોતાના પુત્ર ભક્ત પ્રહ્લાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે અનેક કષ્ટ આપ્યા હતા. પરંતુ અડગ વિશ્વાસ અને સચ્ચી શ્રદ્ધાએ દરેક પરીક્ષા પાર કરી. તેથી આ દિવસોને સંયમ, સાધના અને સતર્કતા માટેનો સમય માનવામાં આવે છે.

આ પણ વાંચો: Holashtak 2026: હોળાષ્ટકના 8 દિલસ ક્યા ગ્રહ હોય છે ઉગ્ર? ક્યા ઉપાયથી થશે શાંત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)