દર વર્ષે દેવ સ્નાન પૂર્ણિમાના પાવન અવસરે અહીં એક એવી દિવ્ય પરંપરા નિભાવવામાં આવે છે, જે ભક્તોને અદભૂત આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાનો મહાભિષેક કરવામાં આવે છે. આ જ વિધિથી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની શરૂઆત માનવામાં આવે છે.

ગજવેશ ધારણ કરે ભગવાન

મહાભિષેક બાદ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે, પરંતુ આ શણગાર સામાન્ય નથી. ભગવાન જગન્નાથ અને ભગવાન બલભદ્રને હાથીના મુખ જેવા દિવ્ય સ્વરૂપમાં શણગારવામાં આવે છે, જેને ગજવેશ અથવા હાથી વેશ તરીકે ઓળખવામાં આવે છે. દેવી સુભદ્રાને કમળના પવિત્ર સ્વરૂપમાં અલંકૃત કરવામાં આવે છે. ભગવાનના આ અનોખા દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે.

ત્રણેય દેવતાઓને મંદિરના ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે

પરંપરા મુજબ સ્નાન પૂર્ણિમાના દિવસે ત્રણેય દેવતાઓને મંદિરના ગર્ભગૃહમાંથી બહાર લાવી સ્નાન મંડપ પર બિરાજમાન કરવામાં આવે છે. ત્યારબાદ 108 પવિત્ર કળશોના જળથી તેમનો મહાભિષેક કરવામાં આવે છે. માન્યતા છે કે આ વિશેષ સ્નાન પછી ભગવાન જગન્નાથ અસ્વસ્થ થઈ જાય છે અને થોડા દિવસો સુધી ભક્તોને દર્શન આપતા નથી. આ સમયગાળાને અનસરા તરીકે ઓળખવામાં આવે છે.

એક સુંદર લોકપ્રચલિત કથા જોડાયેલી

ગજવેશ પાછળ એક સુંદર લોકપ્રચલિત કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં ગણપતિ ભટ્ટ નામના એક વિદ્વાન અને ભગવાન ગણેશના અનન્ય ભક્ત પુરી આવ્યા હતા. તેઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા ખૂબ આતુર હતા, પરંતુ તેમના મનમાં એક જ ઇચ્છા હતી કે તેમને પોતાના આરાધ્ય ભગવાન ગણેશના હાથીમુખ સ્વરૂપના દર્શન થાય.

ભગવાન જગન્નાથે પોતાની દિવ્ય લીલા દર્શાવવાનો સંકલ્પ કર્યો

જ્યારે તેમણે સ્નાન યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કર્યા ત્યારે તેમને ગણેશજીનું સ્વરૂપ જોવા મળ્યું નહીં. આ વાતથી તેઓ ખૂબ નિરાશ થયા અને પુરી છોડવાનો નિર્ણય કર્યો. ભક્તની નિઃસ્વાર્થ ભાવનાથી પ્રસન્ન થયેલા ભગવાન જગન્નાથે પોતાની દિવ્ય લીલા દર્શાવવાનો સંકલ્પ કર્યો.

ભગવાન જગન્નાથ ગજવેશમાં

આગલા દિવસે જ્યારે ગણપતિ ભટ્ટ ફરી સ્નાન મંડપ પર પહોંચ્યા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેમની સામે ભગવાન જગન્નાથ ગજવેશમાં, ભગવાન બલભદ્ર શ્વેત ગજાનન સ્વરૂપમાં અને દેવી સુભદ્રા કમળ સમાન દિવ્ય આભાથી શોભી રહ્યા હતા. પોતાના આરાધ્યનું આ અદ્વિતીય સ્વરૂપ જોઈને ગણપતિ ભટ્ટ ભાવવિભોર બની ગયા અને તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા.

આ પરંપરા આજે પણ પ્રચલિત

ત્યારથી સ્નાન પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથના ગજવેશની પરંપરા ભક્તિ અને શ્રદ્ધા સાથે નિભાવવામાં આવે છે. આ પરંપરા એ સંદેશ આપે છે કે ભગવાન પોતાના દરેક ભક્તની નિષ્કપટ ભાવનાનો સન્માન કરે છે. સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી અને ઈશ્વર કોઈને કોઈ રીતે પોતાના ભક્તને કૃપાના દર્શન જરૂર કરાવે છે.

આ પણ વાંચો: Horoscope Prediction : કુંડળીમાં સૌથી શક્તિશાળી ગ્રહ ક્યો છે આ રીતે ઓળખો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)