મહાદેવના જટાધારી સ્વરૂપ, ગળામાં સર્પ, મસ્તક પર ચંદ્ર અને સમગ્ર શરીર પર લગાવેલી ભસ્મ તેમને અનોખી ઓળખ આપે છે. ભસ્મ ભગવાન શિવનું વિશિષ્ટ શૃંગાર માનવામાં આવે છે અને તેનું ધાર્મિક તેમજ આધ્યાત્મિક મહત્વ રહેલુ છે.

જીવન અને મૃત્યુનું સત્ય

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવના શરીર પર લાગેલી ભસ્મ પવિત્રતા, વૈરાગ્ય અને જીવનના શાશ્વત સત્યનું પ્રતિક છે. તે આપણને શીખવે છે કે મૃત્યુ કોઈ ભયજનક અંત નથી, પરંતુ જીવનનું અનિવાર્ય સત્ય છે, જેને દરેક વ્યક્તિએ એક દિવસ સ્વીકારવું જ પડે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવ ભસ્મ શા માટે ધારણ કરે છે? તેની પાછળ એક અત્યંત ભાવુક પૌરાણિક કથા જોડાયેલી છે.

ભગવાન શિવ અને ભસ્મનો સંબંધ

પૌરાણિક કથા અનુસાર, એક વખત માતા સતીએ પોતાના પિતા પ્રજાપતિ દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વિના ત્યાં જવું યોગ્ય નથી, પરંતુ માતા સતીએ તેમનું કહેવું માન્યું નહીં અને યજ્ઞમાં પહોંચી ગયા. 

યજ્ઞસ્થળે પહોંચ્યા બાદ માતા સતીએ પ્રજાપતિ દક્ષને પૂછ્યું કે ભગવાન શિવને આમંત્રણ કેમ આપવામાં આવ્યું નથી. ત્યારે દક્ષે ભગવાન શિવ વિશે અપમાનજનક અને કટુ વચનો બોલ્યા. પોતાના પતિનું અપમાન સહન ન થતાં માતા સતીએ અત્યંત વ્યથિત થઈ યજ્ઞની અગ્નિમાં પોતાનો દેહ સમર્પિત કરી દીધો.

મહાદેવે શા માટે ધારણ કરી ભસ્મ?

માતા સતીના વિયોગથી ભગવાન શિવ અત્યંત શોકગ્રસ્ત અને ક્રોધિત થયા. તેઓ માતા સતીના નિર્જીવ દેહને ખભા પર લઈને સમગ્ર બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. તેમની આ સ્થિતિ જોઈ ભગવાન વિષ્ણુએ સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે તે માટે પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ટુકડા કર્યા. ધાર્મિક કથાઓના એક વર્ણન અનુસાર, સતીના દેહને ભસ્મરૂપ મળ્યા બાદ ભગવાન શિવે તે ભસ્મને પોતાના શરીર પર ધારણ કરી, પોતાના અખંડ પ્રેમ અને સ્મૃતિનું પ્રતિક બનાવ્યું.

ત્યારથી ભગવાન શિવ ભસ્મ ધારણ કરે છે એવી ધાર્મિક માન્યતા છે. આ ભસ્મ માત્ર શોકનું નહીં, પરંતુ વૈરાગ્ય, ત્યાગ અને આધ્યાત્મિક જાગૃતિનું પણ પ્રતિક બની ગયું.

શિવ પુરાણમાં પણ છે ઉલ્લેખ

ભગવાન શિવના શરીર પર ભસ્મ ધારણ કરવાનું વર્ણન શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતા અને રુદ્ર સંહિતામાં પણ જોવા મળે છે. તેમાં ભસ્મને પવિત્રતા, આત્મજ્ઞાન અને શિવત્વનું પ્રતિક માનવામાં આવ્યું છે.

ભસ્મ શું શીખવે છે?

ભગવાન શિવની ભસ્મ આપણને મહત્વનો જીવન સંદેશ આપે છે કે ભૌતિક સુખ, સંપત્તિ, સૌંદર્ય અને અહંકાર ક્ષણભંગુર છે. અંતે રાજા હોય કે રંક દરેકનું શરીર રાખમાં જ વિલિન થઈ જાય છે. તેથી મનુષ્યે અહંકારનો ત્યાગ કરીને સદાચાર, ભક્તિ અને આત્મજ્ઞાનનો માર્ગ અપનાવવો જોઈએ. મહાદેવની ભસ્મ એ જ યાદ અપાવે છે કે સાચું સુખ અને મોક્ષ ભૌતિક વસ્તુઓમાં નહીં, પરંતુ આત્મિક જાગૃતિમાં સમાયેલું છે.

આ પણ વાંચો: Guru Uday 2026: 14 ઓગસ્ટે ગુરુ ગ્રહનો ઉદય, આ 2 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)