મંદિરમાં સ્થાપિત દેવ-દેવીઓ, તેમની દિશા, ગર્ભગૃહ અને અન્ય પ્રતિકો પાછળ પણ ઊંડો વૈજ્ઞાનિક અને ધાર્મિક અર્થ રહેલો છે. જો તમે ક્યારેય મોટા શિવ મંદિરોમાં દર્શન કરવા ગયા હોવ, તો એક વાત ચોક્કસ ધ્યાનમાં આવી હશે કે ત્યાં મુખ્ય મંદિર ઉપરાંત નવગ્રહ મંદિર અથવા નવગ્રહોની પ્રતિમાઓ પણ જોવા મળે છે. પરંતુ ભગવાન વિષ્ણુ, શ્રીરામ અથવા શ્રીકૃષ્ણના વૈષ્ણવ મંદિરોમાં સામાન્ય રીતે નવગ્રહોની અલગ સ્થાપના જોવા મળતી નથી. આ પાછળના શાસ્ત્રીય અને આધ્યાત્મિક કારણો ખૂબ જ રસપ્રદ છે.

ભગવાન શિવને 'મહાકાલ' તરીકે ઓળખવામાં આવે છે

પુરાણો અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શિવને 'મહાકાલ' તરીકે ઓળખવામાં આવે છે. 'કાલ' એટલે સમય, અને સમયની ગણતરી સૂર્ય, ચંદ્ર સહિતના તમામ ગ્રહોની ગતિથી થાય છે. માન્યતા છે કે નવગ્રહો ભગવાન શિવની આજ્ઞાથી જ બ્રહ્માંડના નિયમો અનુસાર કાર્ય કરે છે. તેથી જ ભગવાન શિવને નવગ્રહોના નિયંતા માનવામાં આવે છે.

તમામ નવગ્રહો ભગવાન શિવની ઇચ્છા અનુસાર કાર્ય કરે

શિવ પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે કે સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ સહિત તમામ નવગ્રહો ભગવાન શિવની ઇચ્છા અનુસાર જ પોતાનું કાર્ય કરે છે. એટલા માટે શિવ મંદિરોમાં નવગ્રહોની સ્થાપના કરવામાં આવે છે, જેથી ભક્તો ભગવાન શિવની સાથે નવગ્રહોના આશીર્વાદ પણ મેળવી શકે.

શનિદેવ સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ માન્યતા

શનિદેવ સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ માન્યતા પણ છે. કહેવામાં આવે છે કે શનિદેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને 'ન્યાયાધીશ'નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી એવું માનવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવની શરણમાં રહે છે, તેના પર ગ્રહોની અશુભ અસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. આ કારણસર શિવ મંદિરોમાં નવગ્રહોની ઉપાસનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

વૈષ્ણવ પરંપરાનો આધાર અનન્ય ભક્તિ

બીજી તરફ, વૈષ્ણવ પરંપરાનો આધાર અનન્ય ભક્તિ અને સંપૂર્ણ શરણાગતિ પર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, "સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ", એટલે કે તમામ આશ્રયો છોડીને માત્ર મારી જ શરણમાં આવો. વૈષ્ણવ પરંપરા અનુસાર જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ, શ્રીરામ અથવા શ્રીકૃષ્ણની શરણમાં રહે છે, તેને અન્ય દેવતા કે નવગ્રહોની અલગથી આરાધના કરવાની જરૂર રહેતી નથી.

નવગ્રહોની અલગ સ્થાપના કરવામાં આવતી નથી

વૈષ્ણવ માન્યતા મુજબ નવગ્રહો પણ ભગવાન શ્રીહરિ નારાયણના નિયમો અનુસાર કાર્ય કરે છે. જ્યારે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત પર પ્રસન્ન હોય, ત્યારે નવગ્રહો પણ ભક્તને કોઈ પ્રકારનું અનિષ્ટ પહોંચાડી શકતા નથી. આ અનન્ય ભક્તિનો ભાવ જળવાઈ રહે તે માટે વૈષ્ણવ મંદિરોમાં સામાન્ય રીતે નવગ્રહોની અલગ સ્થાપના કરવામાં આવતી નથી.

પ્રાચીન વૈષ્ણવ મંદિરોમાં સ્થાનિક પરંપરા 

જોકે ભારતના કેટલાક પ્રાચીન વૈષ્ણવ મંદિરોમાં સ્થાનિક પરંપરા અથવા પ્રદેશની માન્યતાઓને કારણે નવગ્રહોની પ્રતિમાઓ જોવા મળે છે, પરંતુ તે વૈષ્ણવ દર્શનનો મૂળભૂત ભાગ નથી. આમ, શિવ મંદિરોમાં નવગ્રહોની સ્થાપના ભગવાન શિવના ગ્રહોના નિયંતા સ્વરૂપને દર્શાવે છે, જ્યારે વૈષ્ણવ મંદિરોમાં ભગવાન વિષ્ણુ પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને અનન્ય ભક્તિના સિદ્ધાંતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે. આ બંને પરંપરાઓનો હેતુ ભક્તને પરમાત્મા સુધી પહોંચાડવાનો જ છે, માત્ર ઉપાસનાની પદ્ધતિ અલગ છે.

આ પણ વાંચો: Guru Ast: દેવગુરુ બૃહસ્પતિના અસ્ત થવાથી આ રાશિની વધશે મુશ્કેલી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)