નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માતા દુર્ગાનાં નવ સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની ક્રમશઃ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતાનાં આ નવ સ્વરૂપો કલ્યાણકારી છે અને ભક્તોનાં દુઃખ દૂર કરનારાં છે. નવરાત્રિ દરમિયાન વ્રત અને પૂજા કરનાર સાધકનું મન દરરોજ અલગ ચક્રમાં સ્થિત થાય છે, એવી યોગિક પરંપરામાં માન્યતા છે. આવો જાણીએ નવરાત્રિના નવ દિવસમાં માતાનાં કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને દરેક દિવસ સાથે કયા ચક્રને જોડવામાં આવે છે.
પ્રથમ દિવસ: માતા શૈલપુત્રી અને મૂળાધાર ચક્ર
નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. રાજા હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. માતા વૃષભ પર બિરાજમાન છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. તેમનું સ્વરૂપ અત્યંત મનમોહક છે. માન્યતા અનુસાર, આ દિવસે સાધકનું મન મૂળાધાર ચક્રમાં સ્થિત થાય છે.
બીજો દિવસ: માતા બ્રહ્મચારિણી અને સ્વાધિષ્ઠાન ચક્ર
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેમના નામનો અર્થ તપનું આચરણ કરનાર એવો થાય છે. માતાનું સ્વરૂપ તેજસ્વી અને ભવ્ય છે. તેઓ જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરે છે. આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત રહે છે, એવી માન્યતા છે.
ત્રીજો દિવસ: માતા ચંદ્રઘંટા અને મણિપુર ચક્ર
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર હોવાથી તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું છે. માન્યતા છે કે તેમના ઘંટના નાદથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. માતા સિંહ પર સવાર છે અને તેમનું શરીર સોના જેવું તેજસ્વી છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં સ્થિત થાય છે.
ચોથો દિવસ: માતા કુષ્માંડા અને અનાહત ચક્ર
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે સમગ્ર સૃષ્ટિમાં અંધકાર હતો, ત્યારે માતાએ પોતાના મંદ સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં સ્થિત રહે છે.
પાંચમો દિવસ: માતા સ્કંદમાતા અને વિશુદ્ધ ચક્ર
પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેઓ ભગવાન કાર્તિકેયને પોતાના ખોળામાં ધારણ કરે છે. માતાની ચાર ભુજાઓ છે અને તેમના હાથમાં કમળનાં પુષ્પો છે. તેમનું સ્વરૂપ સુખ અને શાંતિ આપનારું માનવામાં આવે છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત થાય છે.
છઠ્ઠો દિવસ: માતા કાત્યાયની અને આજ્ઞા ચક્ર
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમણે ઋષિ કાત્યાયનના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી તેમનું નામ કાત્યાયની પડ્યું હતું. આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સાધકને આંતરિક તેજ અને આધ્યાત્મિક જાગૃતિનો અનુભવ થાય છે.
સાતમો દિવસ: માતા કાલરાત્રિ અને સહસ્રાર ચક્ર
સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે. તેમનું સ્વરૂપ ભયાનક દેખાતું હોવા છતાં કલ્યાણકારી માનવામાં આવે છે. તેમની ઉપાસનાથી નકારાત્મક શક્તિઓ અને ભય દૂર થાય છે, એવી માન્યતા છે. આ દિવસે સાધકનું મન સહસ્રાર ચક્રમાં સ્થિત થાય છે.
આઠમો દિવસ: માતા મહાગૌરી અને સોમ ચક્ર
આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેમનો વર્ણ ગૌર હોવાથી તેમને મહાગૌરી કહેવામાં આવે છે. તેમને અન્નપૂર્ણા સ્વરૂપે પણ પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસને સોમ ચક્ર સાથે જોડવામાં આવે છે.
નવમો દિવસ: માતા સિદ્ધિદાત્રી
નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમી તિથિએ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેઓ ભક્તોને સિદ્ધિ પ્રદાન કરનારાં દેવી તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર, તેમની કૃપાથી ભગવાન શિવને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી અને તેઓ અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા હતા. માતા સિદ્ધિદાત્રીની ઉપાસનાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, એવી ધાર્મિક માન્યતા છે.
આ પણ વાંચો: Sarva Pitru Amavasya 2026: આજે શનિશ્ચરી સર્વપિતૃ અમાસ, પિતૃદોષથી મુક્તિ માટે કરો આ ધાર્મિક ઉપાયો, જાણો તર્પણનો સમય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)