આજે 10 ઑક્ટોબર 2026, શનિવારના સર્વપિતૃ અમાસ છે પિતૃપક્ષમાં અમાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ તિથિને પિતૃ અમાસ અને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાની પરંપરા છે. સર્વપિતૃ અમાસ સાથે જ પિતૃપક્ષનું સમાપન થાય છે. આવો જાણીએ આ દિવસનું મહત્ત્વ, શ્રાદ્ધ માટેનાં શુભ મુહૂર્ત અને પિતૃઓને વિદાય આપવાની પરંપરાગત રીત.

સર્વપિતૃ અમાસનું મહત્ત્વ

આસો મહિનાની અમાવસ્યા શનિવારે આવતી હોવાથી તેને શનિશ્ચરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાની સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો પણ કરી શકાય છે.

સર્વપિતૃ અમાવસ્યાને તમામ પૂર્વજોના શ્રાદ્ધ માટે વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે જાણીતા અને અજાણ્યા બંને પ્રકારના પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિને પોતાના પૂર્વજની મૃત્યુતિથિની જાણ ન હોય, તો તે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકે છે.

આ દિવસે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરીને પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ વિધિઓથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

સર્વપિતૃ અમાસ 2026ના શ્રાદ્ધ માટેનાં શુભ મુહૂર્ત

શ્રાદ્ધ કર્મ માટે દિવસના કેટલાક વિશેષ સમયને મહત્ત્વ આપવામાં આવે છે. આપેલી માહિતી અનુસાર, 10 ઑક્ટોબરનાં શુભ મુહૂર્ત નીચે મુજબ છે.

- કુતુપ મુહૂર્ત: 11:00થી 11:47 વાગ્યા સુધી

- રૌહિણ મુહૂર્ત:  11:47થી બપોરે 12:34 વાગ્યા સુધી

- અપરાહ્ન કાળ: બપોરે 12:34થી 2:55 વાગ્યા સુધી

આ સમય દરમિયાન શ્રાદ્ધ અને તર્પણની વિધિ કરી શકાય છે. શ્રાદ્ધ કર્મ પૂર્ણ થયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા છે. સાથે જ ગાય, કીડી, શ્વાન, કાગડા અને દેવતાઓ માટે ભોજન અર્પણ કરીને પંચબલિ શ્રાદ્ધ કરવાની ધાર્મિક પરંપરા પણ છે.

સર્વપિતૃ અમાસે પિતૃઓને વિદાય કેવી રીતે આપવી?

ધાર્મિક પરંપરા અનુસાર, અમાવસ્યાના દિવસે દિવસ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણની વિધિ પૂર્ણ કરવી જોઈએ. ત્યારબાદ સાંજે સૂર્યાસ્ત પછી ઘરની દક્ષિણ દિશામાં ચાર મુખવાળો દીવો પ્રગટાવવાની પરંપરા છે.

એવી માન્યતા છે કે દીવો પ્રગટાવવાથી પૂર્વજોને વિદાય સમયે પ્રકાશ મળે છે. આ દરમિયાન પોતાની ક્ષમતા અનુસાર શ્રાદ્ધ, તર્પણ, દાન, પંચબલિ અને બ્રાહ્મણ ભોજન કરાવ્યું હોવાનું સ્મરણ કરીને પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.આ સાથે પરિવારના તમામ સભ્યો સુખી રહે, ઘરમાં શાંતિ જળવાય અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

સર્વપિતૃ અમાસ એ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિશેષ દિવસ છે. આ દિવસે શ્રદ્ધા અને પોતાની ક્ષમતા અનુસાર ધાર્મિક વિધિઓ કરીને પિતૃપક્ષનું સમાપન કરવામાં આવે છે.

આ પણ વાંચો: Sarva Pitru Amavasya 2026: સર્વપિતૃ અમાસ પિંડદાન, દાન અને ભોજન સાથે જોડાયેલી મહત્ત્વની પરંપરાઓ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)