માન્યતા મુજબ આ દિવસે ભક્તિભાવથી કરાયેલ ઉપવાસ અને પૂજા અનેક ગણું પુણ્ય પ્રદાન કરે છે. વર્ષ 2026માં નિર્જલા એકાદશીનું વ્રત 25 જૂન, ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે.


જ્યોતિષ અને ધાર્મિક ગ્રંથોમાં તુલસી માતાને અત્યંત પવિત્ર માનવામાં આવી છે. તુલસી માત્ર એક ઔષધીય છોડ નથી, પરંતુ તેને દેવીનું સ્વરૂપ અને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. તેથી નિર્જલા એકાદશીના દિવસે તુલસીની વિશેષ પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

હળદરવાળા અક્ષત અર્પણ કરો

નિર્જળા એકાદશીના દિવસે તુલસી માતાને હળદર મિશ્રિત પીળા અક્ષત અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. પીળો રંગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને પ્રિય માનવામાં આવે છે. અખંડિત ચોખાના દાણા સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક ગણાય છે. તેથી પૂજા દરમિયાન પીળા અક્ષત ચઢાવવાથી શુભ ફળ મળવાની માન્યતા છે.

લાલ અથવા પીળી ચૂંદડી ઓઢાડો

આ પવિત્ર દિવસે તુલસીના છોડને નવી લાલ અથવા પીળી ચૂંદડી અર્પણ કરવી પણ શુભ માનવામાં આવે છે. લાલ રંગ શક્તિ અને સુહાગનું પ્રતિક છે, જ્યારે પીળો રંગ પવિત્રતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવાથી ભક્તિ અને સન્માન વ્યક્ત થાય છે.

સુહાગની સામગ્રી અર્પણ કરો

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને વૈવાહિક સુખ માટે તુલસી માતાને સુહાગની વસ્તુઓ અર્પણ કરવાની પણ પરંપરા છે. ચુડીઓ, બિંદી, કુમકુમ અને સિંદૂર જેવી સામગ્રી ભક્તિપૂર્વક અર્પણ કરવાથી શુભતા વધે છે એવી માન્યતા છે. ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે આ પૂજા અત્યંત શુભ માનવામાં આવે છે.

કાંડુ બાંધો

પૂજા દરમિયાન તુલસીના થડ પર નાડાછડી અથવા મૌલી બાંધવાની પરંપરા પણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાત પ્રદક્ષિણા કરીને નાડાછડી બાંધતી વખતે પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વિધિ પરિવારિક એકતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે.

ઘીનો દીવો અને પરિક્રમા

સાંજના સમયે તુલસી માતા સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ ગણાય છે. દીવો પ્રગટાવ્યા પછી તુલસીની ઓછામાં ઓછી ત્રણ અથવા સાત પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા દરમિયાન ભગવાન વિષ્ણુ અને તુલસી માતાનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે.

નિર્જળા એકાદશીના દિવસે આ સરળ ધાર્મિક ઉપાયો શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે એવી ધાર્મિક માન્યતા છે. તુલસી માતાની કૃપા સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવાની આ એક સુંદર તક માનવામાં આવે છે.

આ પણ વાંચો: Vyatipat Yog 2026: 10 જુલાઈએ બનશે શક્તિશાળી યોગ, અશુભ વ્યતિપાત યોગથી થશે નુકસાન

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)



  • Follow us on: