કોણ શું બોલે છે, કેવી રીતે બોલે છે અને કયા શબ્દો પસંદ કરે છે, તે માત્ર વ્યક્તિત્વનો ભાગ નથી. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની વાણી, અવાજનો લહેજો, શબ્દોની પસંદગી અને બોલવાની રીત તેની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ વિશે ઘણું બધું કહી શકે છે. વ્યક્તિની વાણી તેના સૌથી પ્રભાવશાળી ગ્રહનો અરીસો હોય છે. વાણીના મુખ્ય કારક ગ્રહ તરીકે બુધને માનવામાં આવે છે, પરંતુ ગુરુ, સૂર્ય, ચંદ્ર, શુક્ર તેમજ મંગળ, રાહુ અને કેતુ પણ વ્યક્તિની બોલવાની શૈલી પર અસર કરે છે. ઘણી વખત કોઈ વ્યક્તિની બે-ચાર વાતો સાંભળીને જ તેના સ્વભાવ અને વિચારધારાનો અંદાજ લગાવી શકાય છે.

મીઠી, જ્ઞાનસભર અને પ્રભાવશાળી વાણી પાછળ કયા ગ્રહ જવાબદાર?

જે લોકોની બોલી મીઠી, સ્પષ્ટ અને તર્કપૂર્ણ હોય છે, તેમની કુંડળીમાં સામાન્ય રીતે બુધ ગ્રહ મજબૂત હોય છે. આવા લોકો હાજરજવાબી અને વાતચીતમાં કુશળ હોય છે. વિનમ્રતા અને શિષ્ટાચારથી વાત કરવાથી બુધ વધુ મજબૂત બને છે. બીજી તરફ, જે લોકો સત્ય, સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોની વાત કરે છે તથા તેનું પાલન પણ કરે છે, તેમની કુંડળીમાં ગુરુ ગ્રહ પ્રભાવશાળી હોય છે. તેમની વાણીમાં ગંભીરતા અને જ્ઞાનનો સ્પર્શ જોવા મળે છે.

વ્યક્તિની વાણી માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તેની અંદર રહેલા ગ્રહોના પ્રભાવ અને વ્યક્તિત્વની ઊંડી છાપ દર્શાવે 

જે લોકોની વાતોમાં આત્મવિશ્વાસ, અધિકાર અને નેતૃત્વનો ભાવ દેખાય છે, તેમની વાણી પર સામાન્ય રીતે સૂર્ય ગ્રહનો પ્રભાવ હોય છે. આવા લોકો સ્પષ્ટ અને નિડર રીતે પોતાની વાત રજૂ કરે છે. જ્યારે ચંદ્ર ગ્રહ મજબૂત હોય ત્યારે વ્યક્તિની બોલી સહજ, ભાવુક અને દિલને સ્પર્શી જાય એવી બને છે. તેમની વાતો સાંભળીને લોકોમાં શાંતિ અને આત્મીયતાનો અનુભવ થાય છે.

કડવી કે આકર્ષક બોલી પણ આપે છે ગ્રહોની નિશાની

જે લોકો ખૂબ શાલીનતા, પ્રેમ અને કલાત્મકતા સાથે વાત કરે છે, તેમની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત માનવામાં આવે છે. તેમની વાણીમાં એવી મીઠાશ હોય છે કે લોકો સરળતાથી તેમની તરફ આકર્ષાય છે. પ્રેમ અને સન્માનપૂર્વક વાત કરવાથી શુક્ર વધુ બળવાન બને છે.

બીજી તરફ, જો કોઈની બોલીમાં કડવાશ, ગુસ્સો, અપશબ્દો અથવા આક્રમકતા જોવા મળે તો તેના પાછળ રાહુ, મંગળ અથવા શનિના અશુભ પ્રભાવ જવાબદાર હોઈ શકે છે. જ્યોતિષ અનુસાર હકલાવું અથવા બોલવામાં અચકાટ આવવો બુધ સાથે જોડાયેલી સ્થિતિ દર્શાવે છે, જ્યારે રહસ્યમય અને ગૂઢ વાતો કરનારા લોકો પર ઘણીવાર કેતુ ગ્રહનો પ્રભાવ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિની વાણી માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તેની અંદર રહેલા ગ્રહોના પ્રભાવ અને વ્યક્તિત્વની ઊંડી છાપ પણ દર્શાવે છે. તેથી મીઠું, સત્ય અને સન્માનપૂર્ણ બોલવું માત્ર સંબંધો માટે જ નહીં, પરંતુ ગ્રહોની શુભતા વધારવા માટે પણ લાભદાયી માનવામાં આવે છે.

આ પણ વાંચો: Fridge Vastu:સડસડાટ વધવા લાગશે બેંક બેલેન્સ, ફ્રિજ પર રાખો આ વસ્તુઓ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)