વૃંદાવનના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજ પોતાના પ્રવચનો અને ભક્તિમય વાણીથી દેશ-વિદેશમાં લાખો-કરોડો લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
પ્રેમાનંદ મહારાજને કોણે ભણાવ્યો જીવનનો સૌથી મોટો પાઠ?
મહારાજશ્રીએ જણાવ્યું કે કેવી રીતે વર્ષો પહેલાં એક દારૂડિયા વ્યક્તિએ તેમને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવ્યો હતો. તેમના મતે, જો કોઈ વ્યક્તિ આ શીખને પોતાના જીવનમાં ઉતારી લે, તો ગમે તેવું મોટું દુઃખ પણ તેને ક્યારેય તોડી શકશે નહીં. સારું જ્ઞાન કે શિખામણ ગમે ત્યાંથી અને ગમે તેવા વ્યક્તિ પાસેથી મળે, તેને ગ્રહણ કરવામાં ક્યારેય સંકોચ ન કરવો જોઈએ. વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજે પોતાના એક પ્રવચનમાં આ વાતને બહુ સચોટ ઉદાહરણ સાથે સમજાવી છે.
ગંગા કિનારે ઘટેલી એ અદ્ભુત ઘટના
પ્રેમાનંદ મહારાજે ભૂતકાળના દિવસો યાદ કરતાં કહ્યું કે એ સમયે મારી ઉંમર આશરે 22-24 વર્ષની હશે. હું ગંગા કિનારે બેસીને મંત્ર જાપ કરવાની સાથે ગંગાજીની લહેરોનો આનંદ માણી રહ્યો હતો. બરાબર એ જ સમયે નશાની હાલતમાં એક દારૂડિયો ત્યાં આવ્યો અને તેણે મને ઊભા થવા કહ્યું. મેં ઊભા થઈને તેને પ્રણામ કર્યા. ત્યારબાદ તે મને પોતાની સાથે ચાલવા માટે કહેવા લાગ્યો, હું પણ શાંતિથી તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. તે મને બ્રહ્માવર્ત ઘાટ પાસે આવેલા એક પવિત્ર સ્થળ 'વૈકુંઠ ધામ' માં લઈ ગયો."
પથ્થર અને ભગવાન વચ્ચેનો તફાવત
મહારાજશ્રીએ આગળ જણાવ્યું કે ત્યાં પહોંચીને તે દારૂડિયાએ મંદિરમાં રહેલી મૂર્તિ તરફ આંગળી ચિંધીને મને પૂછ્યું કે આ કોણ છે તને ખબર છે?' મેં જવાબ આપ્યો – 'ભગવાન'. પછી તેણે પૂછ્યું – 'આ ભગવાન શેના બનેલા છે?' મેં કહ્યું કે ભગવાન તો ભગવાન જ હોય ને! ત્યારે તે દારૂડિયાએ વળતો જવાબ આપ્યો કે 'આ ભગવાન સંગેમરમર (આરસપહાણ) ના પથ્થરમાંથી બનેલા છે.
ત્યારબાદ તેણે મંદિરના ભોંયતળિયા તરફ ઈશારો કરીને કહ્યું, 'તારા પગ નીચે દબાયેલો આ પથ્થર પણ સંગેમરમર જ છે. હવે તું પોતે જ સમજી લે કે એક પથ્થર લોકોના પગ નીચે કચડાઈ રહ્યો છે અને બીજો પથ્થર ભગવાન બનીને પૂજાઈ રહ્યો છે, આવું કેમ?
...એટલા માટે પથ્થર 'ભગવાન' બની ગયો!
પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર, તે દારૂડિયાએ ત્યારબાદ જે વાત કહી તે હૃદયને સ્પર્શી જાય તેવી હતી. તેણે કહ્યું:
મંદિરમાં રાખેલી આ પ્રતિમાને જ્યારે શિલ્પીએ ઘડી હશે, ત્યારે તેના પર હથોડી અને ટાંકણાના અસંખ્ય ઘા વાગ્યા હશે., તેમ છતાં આ પથ્થર ક્યાંયથી તૂટ્યો નહીં, તેણે બધી પીડા સહન કરી લીધી. તે તૂટ્યો નહીં, એટલા માટે જ આજે તે ભગવાન બનીને મંદિરમાં પૂજાઈ રહ્યો છે. તેથી હે સાધુ! જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ ક્યારેય અંદરથી તૂટતો નહીં.
મહારાજશ્રી કહે છે કે, "તે દારૂડિયાના મોઢેથી આટલી ગંભીર વાત સાંભળીને મેં નમીને તેને પ્રણામ કર્યા. મને એવું લાગ્યું કે જાણે સાક્ષાત ભગવાને જ દારૂડિયાનું રૂપ ધારણ કરીને મારું કલ્યાણ કરવા અને મને સાચો રાહ બતાવવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા.
આ વાર્તામાંથી આપણને શું પ્રેરણા મળે છે?
આ પ્રસંગ દ્વારા પ્રેમાનંદ મહારાજ સમજાવે છે કે, શ્રેષ્ઠ ઉપદેશ કે સાચું જ્ઞાન ગમે ત્યાંથી મળે, તેને સ્વીકારી લેવું જોઈએ. જ્ઞાન આપનારો માણસ કેવો છે, તેનો સ્વભાવ કે પ્રકૃતિ કેવી છે, તે જોવાની બિલકુલ જરૂર નથી. જો કોઈના મુખેથી સારી વાત નીકળે છે, તો તેને ધ્યાનથી સાંભળો અને જીવનમાં ઉતારો; પછી ભલે તે વ્યક્તિ કોઈ ગરીબ હોય, સંસારી હોય કે દુનિયાની નજરમાં પાગલ કે વ્યસની કેમ ન હોય! જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે ટકી રહે છે, તે જ એક દિવસ દુનિયા માટે પૂજનીય બને છે.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?