વૃંદાવનની પવિત્ર ગલીઓમાં ભક્તિનો પર્યાય ગણાતા પ્રેમાનંદ મહારાજના દર્શન માટે દેશ-વિદેશથી લાખો ભક્તો આવે છે. શ્રી રાધા રાણી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને સરળ જીવનશૈલીએ ભક્તોમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. જો તમે પણ મહારાજજીના આશીર્વાદ લેવા માંગતા હો, તો તેમના આશ્રમનો સમય અને દર્શનની પ્રક્રિયા જાણવી ખૂબ જ અનિવાર્ય છે.
આશ્રમનું સ્થાન અને દિનચર્યા
પ્રેમાનંદ મહારાજનો આશ્રમ, 'શ્રી હિત રાધા કેલી કુંજ', વૃંદાવનના પરિક્રમા માર્ગ પર સ્થિત છે. આશ્રમમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે.દરરોજ સાંજે 4:10 થી 5:30 વાગ્યા સુધી મહારાજજીનો સત્સંગ યોજાય છે, જેમાં તેઓ ભક્તોના પ્રશ્નોના ઉત્તર આપે છે.સવારે મંગળા આરતી પછી વન વિહાર થાય છે, જે સવારે 6:30 વાગ્યા સુધી ચાલે છે. ત્યારબાદ સવારે 8:15 સુધી વિવિધ પવિત્ર ગ્રંથોના પાઠ કરવામાં આવે છે.સવારે 8:15 થી 9:15 દરમિયાન શ્રૃંગાર આરતી અને નામ સંકીર્તનનું આયોજન થાય છે, જેમાં ભક્તો ભાવવિભોર થઈ જાય છે.
દર્શન માટેનો નવો માર્ગ
હવે મહારાજજીના દર્શન પરંપરાગત પરિક્રમા માર્ગ પર થતા નથી. હાલમાં તેઓ કેલી કુંજ આશ્રમથી સૌરભી કુંડ સુધીના માર્ગ પર ભક્તોને દર્શન આપે છે. જે ભક્તો રસ્તામાં ઉભા રહીને દર્શન કરવા માંગતા હોય, તેઓ સવારે 6:00 થી 7:00 વાગ્યાની વચ્ચે આ માર્ગ પર મહારાજજીની ઝલક મેળવી શકે છે.
ટોકન અને વ્યક્તિગત મુલાકાત
જો કોઈ ભક્ત મહારાજજી સાથે વ્યક્તિગત વાતચીત કે એકાંતમાં દર્શન કરવા માંગતા હોય, તો ટોકન લેવું ફરજિયાત છે.બીજા દિવસની મુલાકાત માટે ટોકનનું વિતરણ સવારે 9:30 વાગ્યાની આસપાસ કરવામાં આવે છે.ટોકન મેળવવા માટે ઓળખના પુરાવા તરીકે સરકાર માન્ય આઈડી જેમ કે આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે. હાલમાં દર્શન માટે કોઈ સત્તાવાર ઓનલાઈન બુકિંગ સુવિધા નથી. તમામ પ્રક્રિયા આશ્રમ પર જઈને જ પૂર્ણ કરવાની રહે છે.
કેવી રીતે પહોંચવું?
વૃંદાવન પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન મથુરા જંકશન છે. મથુરાથી વૃંદાવન માટે ઓટો કે ટેક્સી દ્વારા 30 થી 45 મિનિટમાં પહોંચી શકાય છે. વૃંદાવનમાં પરિક્રમા માર્ગ પર આવેલા કેલી કુંજ આશ્રમ સુધી પહોંચવા માટે સ્થાનિક વાહનો સરળતાથી ઉપલબ્ધ રહે છે. પ્રેમાનંદ મહારાજના દર્શન એ એક દિવ્ય અનુભવ છે, પરંતુ ભક્તોએ આશ્રમના નિયમો અને સમયનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ જેથી કોઈ અગવડતા ન પડે.
આ પણ વાંચોઃ Shani Shingnapur Temple: ખુલ્લા ચબૂતરા પર આવેલું 400 વર્ષ જૂનું મંદિર,અહી શનિદેવ હરે મુશ્કેલી