કોણ જુલાવે લીંમડી કોણ જુલાવે પીપળી ભાઇની બેની લાડકી ને ભઇલો જુલાવે ડાળખી...
દરેક સંબંધમાં સર્વશ્રેષ્ઠ નાતો એટલે ભાઇ બહેનનો પ્રેમ, પણ એમાં જો તકરાર થાય તો? ક્યારેક નાની બાબતો એટલી મોટી બની જાય છે કે સંબંધોમાં વર્ષો સુધી દૂરી આવી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા મતભેદોમાં માત્ર સ્વભાવ અથવા પરિસ્થિતિ જ નહીં, પરંતુ જન્મકુંડળીના કેટલાક ગ્રહો અને ભાવોનો પણ પ્રભાવ માનવામાં આવે છે.
કુંડળીનો ત્રીજો અને અગિયારમો ભાવ
કુંડળીનો ત્રીજો ભાવ પરાક્રમ અને સાહસ ઉપરાંત નાના ભાઈ-બહેનો સાથે જોડાયેલો માનવામાં આવે છે. જ્યારે અગિયારમો ભાવ આવક અને મોટા ભાઈ-બહેનોનું સ્થાન ગણાય છે.
જ્યોતિષ અનુસાર, જ્યારે આ ભાવો પર પાપગ્રહો, ક્રૂર ગ્રહો અથવા અશુભ દૃષ્ટિનો પ્રભાવ હોય, ત્યારે ભાઈ-બહેનો વચ્ચે મનદુઃખ, ઈર્ષ્યા, વિવાદ અને ભાવનાત્મક અંતર વધવાની સંભાવના રહે છે. ક્યારેક આ સ્થિતિ અધિકાર, સંપત્તિ અથવા પૈસાના ઝઘડા સુધી પહોંચી શકે છે. જો ત્રીજા ભાવનો સ્વામી 6મા, 8મા અથવા 12મા ભાવમાં સ્થિત હોય, તો પણ મતભેદ વધતા હોવાનું માનવામાં આવે છે.
મોટા ભાઈ સાથે અંતર કેમ વધે?
વૈદિક જ્યોતિષમાં ગુરુ (બૃહસ્પતિ)ને મોટા ભાઈ-બહેનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો ગુરુ નિર્બળ હોય અથવા રાહુ અને શનિના પ્રભાવથી પીડિત હોય, તો મોટા ભાઈ-બહેન સાથે વિચારોના મતભેદ વધી શકે છે. સન્માનમાં ઘટાડો, અહંકાર અને આર્થિક બાબતોને લઈને તણાવ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને અગિયારમા ભાવમાં શનિ, રાહુ અથવા કેતુ જેવા ગ્રહો હોય ત્યારે પૈસા, વારસો અથવા પરિવારની મિલકત અંગે વિવાદ ઊભા થવાની સંભાવના વધારે માનવામાં આવે છે.
નાની બહેન સાથે અનબનના કારણ
જ્યોતિષમાં મંગળને નાના ભાઈનો અને બુધને નાની બહેનનો કારક માનવામાં આવે છે. જો ત્રીજા ભાવમાં મંગળ નિર્બળ હોય અથવા શનિની દૃષ્ટિ હેઠળ હોય, તો નાના ભાઈ સાથે ઝઘડો, જિદ્દ અને આક્રમકતા વધી શકે છે. બીજી તરફ, બુધ પર રાહુનો પ્રભાવ હોય તો નાની બહેન અથવા કાકા-મામાની બહેન સાથે ગેરસમજ, સંવાદનો અભાવ અને સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા માનવામાં આવે છે.
શું ઉપાય શક્ય છે?
જ્યોતિષ શાસ્ત્રમાં સંબંધોને સુધારવા માટે ધીરજ, સંવાદ અને સકારાત્મક વર્તનને સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. સાથે જ ગુરુ, બુધ અને મંગળને મજબૂત બનાવતા ઉપાયો, દાન, મંત્રજાપ અને સારા વ્યવહારથી સંબંધોમાં સુધારો લાવી શકાય છે એવી માન્યતા છે. અંતે, ગ્રહો પ્રભાવ દર્શાવે છે, પરંતુ સંબંધોને સાચવવાનું કામ સમજદારી, પ્રેમ અને પરસ્પર માનથી જ શક્ય બને છે.
આ પણ વાંચો: Numerology: 17 જૂનથી આ મૂળાંકનું ચમકશે ભાગ્ય, શુક્ર-શનિ સાથે મળી કરાવશે લાભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)