મૃત્યુને હંમેશા જીવનના અંતિમ વિરામ તરીકે જોવામાં આવે છે, પરંતુ આધુનિક વિજ્ઞાન આ માન્યતાને પડકારી રહ્યું છે. તાજેતરના સંશોધનો સૂચવે છે કે જ્યારે હૃદય ધબકવાનું બંધ કરી દે છે, જેને આપણે 'ક્લિનિકલ ડેથ' કહીએ છીએ, ત્યારે પણ મનુષ્યનું મગજ તરત જ મૃત્યુ પામતું નથી. તે કેટલીક મિનિટો સુધી સક્રિય રહે છે અને આસપાસની સંવેદનાઓને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે.
મૃત્યુ: એક ક્ષણ નહીં, પણ ક્રમિક પ્રક્રિયા
વૈજ્ઞાનિકોના મતે મૃત્યુ એ કોઈ સ્વીચ બંધ કરવા જેવી તાત્કાલિક ઘટના નથી, પરંતુ એક જટિલ અને ધીમી પ્રક્રિયા છે. હૃદય બંધ થતાં જ મગજને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે, છતાં મગજના કોષો એટલે કે ન્યુરોન્સ તરત જ નાશ પામતા નથી. પ્રથમ 4 થી 6 મિનિટમાં કોષો મરવાની શરૂઆત થાય છે, પરંતુ મગજના કેટલાક હિસ્સાઓ પોતાની છેલ્લી ઉર્જાનો ઉપયોગ કરીને કાર્યરત રહે છે. જો શરીર ઠંડુ હોય અથવા સીપીઆર (CPR) આપવામાં આવતું હોય, તો આ પ્રવૃત્તિ કલાકો સુધી લંબાઈ શકે છે.
શ્રવણશક્તિ: સાથ છોડનારી છેલ્લી ઇન્દ્રિય
બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના 2020ના એક અભ્યાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે માણસની પાંચ ઇન્દ્રિયોમાં સાંભળવાની શક્તિ સૌથી છેલ્લે સુધી જાગૃત રહે છે. જ્યારે વ્યક્તિ બોલવાની કે હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી દે છે, ત્યારે પણ તેનું મગજ અવાજો પર પ્રતિક્રિયા આપે છે. આનો અર્થ એ છે કે વિદાય લઈ રહેલી વ્યક્તિ તેના પરિવારના સભ્યોના રડવાના અવાજ, તેમની પ્રાર્થનાઓ કે પ્રિયજનોના છેલ્લા શબ્દો સાંભળી શકે છે.
જીવનનું રિપ્લે: યાદોની છેલ્લી ફિલ્મ
વૈજ્ઞાનિકોએ 2022માં એક મૃત્યુ પામતા દર્દીના મગજનું ઇઇજી (EEG) રેકોર્ડિંગ કર્યું હતું. જેમાં જોવા મળ્યું કે હૃદય બંધ થયાની 30 સેકન્ડ પહેલા અને પછી મગજમાં 'ગામા તરંગો' (Gamma Waves) અત્યંત સક્રિય હતા. આ એ જ તરંગો છે જે આપણે ઊંડા ધ્યાન અથવા સ્વપ્ન જોતી વખતે અનુભવીએ છીએ. આ ઘટનાને વૈજ્ઞાનિકો "લાઈફ રિવ્યુ" કહે છે, જેમાં મગજ જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોને એક ફાસ્ટ-ફોરવર્ડ ફિલ્મની જેમ ફરીથી જીવે છે.
આ પણ વાંચોઃ Canada માં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે માઠા સમાચાર, 30,000 ઇમિગ્રન્ટ્સને સરકારની નોટિસ