કેનેડા, જે અત્યાર સુધી ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે સ્વર્ગ સમાન ગણાતું હતું, તે હવે પોતાની નીતિઓમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે. કેનેડા સરકાર દ્વારા આશ્રયના નિયમો અત્યંત કડક બનાવવામાં આવતા હજારો ઇમિગ્રન્ટ્સ, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે, અત્યારે અનિશ્ચિતતા અને દેશનિકાલના ડરનો સામનો કરી રહ્યા છે.


30,000 અરજદારોને નોટિસ

તાજેતરના અહેવાલો મુજબ, ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ અંદાજે 30,000 શરણાર્થી અરજદારોને "પ્રક્રિયાગત ન્યાયીતા પત્રો" (Procedural Fairness Letters) મોકલ્યા છે. આ પત્રો દ્વારા સરકાર તેમને જણાવી રહી છે કે તેમના આશ્રય માટેના દાવા હાલના ધોરણોને પૂર્ણ કરતા નથી. જો આ અરજદારો મર્યાદિત સમયમાં પૂરતા પુરાવા રજૂ નહીં કરી શકે, તો તેમને ગમે ત્યારે કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવી શકે છે.

ખાલિસ્તાની સમર્થકો માટે વધતી મુશ્કેલી

ભારત માટે આ સમાચાર મહત્વના છે કારણ કે કેનેડામાં આશ્રય મેળવવા માંગતા ઘણા લોકો 'ખાલિસ્તાન તરફી' ભાવનાઓ અથવા ભારતમાં ખતરો હોવાના દાવા કરતા હોય છે. અગાઉ કેનેડા સરકાર આવા દાવાઓને સહેલાઈથી સ્વીકારી લેતી હતી, પરંતુ હવે શંકાસ્પદ અને નબળા પુરાવા ધરાવતા આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિષ્ણાતો માને છે કે આ નવી નીતિથી ભારત છોડીને કેનેડામાં છુપાયેલા તત્વો પર કાયદાનો ગાળિયો કસાશે.

નવો કાયદો: બિલ C-12

આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય આધાર નવો કાયદો 'બિલ C-12' છે. આ કાયદા હેઠળ નિયમો વધુ જટિલ બનાવાયા છે.જો કોઈ વ્યક્તિ કેનેડા પહોંચ્યાના એક વર્ષની અંદર આશ્રય માટે અરજી ન કરે, તો તેનો કેસ ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB) ને મોકલવામાં આવશે નહીં. અમેરિકાથી ગેરકાયદેસર સરહદ પાર કરનારાઓને 14 દિવસમાં દાવો રજૂ કરવો અનિવાર્ય છે, અન્યથા તેઓ અયોગ્ય જાહેર થશે.

વકીલો અને નિષ્ણાતોની ચિંતા

જોકે સરકાર આને 'સામૂહિક દેશનિકાલ' નથી ગણાવી રહી, પરંતુ કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે ઘણીવાર અરજદારોને રૂબરૂ સુનાવણીની તક મળતી નથી. માત્ર કાગળ પરના પુરાવાના આધારે થતા નિર્ણયોને કારણે સાચા શરણાર્થીઓને પણ અન્યાય થવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચોઃ 1,70,000 વર્ષ પછી આ આકાશી મહેમાનનું થશે આગમન, ચૂકશો નહીં આ નજારો!

  • Follow us on: