- સૂર્યએ કર્યો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ
- ચાલુ સિઝનમાં વરસાદના પાંચ નક્ષત્રો બાકી, ઓક્ટોબરના આરંભે ઝાપટાની શક્યતા
- ઉત્તરા ફાલ્ગુનીમાં પ્રવેશ વેળાએ વાહન હાથી હોય મેઘગર્જના સાથે વરસાદનો મત
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યદેવના વિવિધ નક્ષત્રમાં પ્રવેશ અને ભ્રમણને આધારે ચોમાસાની સિઝન, વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. સૂર્યનારાયણ જે તે નક્ષત્રમાં પ્રવેશ કરે તે વેળાએ વાહન અને ચંદ્ર નક્ષત્રને આધીન સારો, મધ્યમ, ભારે વરસાદ, વરસાદી વાતાવરણની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. જેમાં હવે બુધવારે સૂર્યદેવનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ સાથે સારા વરસાદના યોગ રહેવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. સામાન્યપણે જૂનના આરંભે સૂર્યદેવનો મૃગશિર્ષ નક્ષત્રમાં પ્રવેશ થાય ત્યાંથી લઇને ઓક્ટોબરમાં સ્વાતિ નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યાં સુધીના 11 નક્ષત્ર વરસાદના ગણવામાં આવે છે. જોકે, મૃગશિર્ષ નક્ષત્રમાં ગરમીના અંતિમ દિવસો ચાલતા હોય છે.
મૃગશિર્ષ નક્ષત્રમાં ગરમીના અંતિમ દિવસો ચાલતા હોય
આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ ચોમાસાની સિઝન શરૂ થાય છે. બાદમાં પુનર્વસુ, પુષ્પ, આશ્વલેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતિ એમ વરસાદના 11 નક્ષત્રો રહે છે. 13 સપ્ટેમ્બર સૂર્યદેવનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થશે. તે વેળાએ વાહન હાથી હોય ઘણી જગ્યાએ મેઘ ગર્જના સાથે વરસાદ પડે, નદી-નાળા છલકાય એવા યોગ છે. બુધવારે સિદ્ધ યોગ, વિષ્ટિકરણ હતુ ત્યાર બાદ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ વેળાએ વાહન દેડકો હોય છૂટોછવાયો અને સારો વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. ઓક્ટોબરમાં પવન સાથે વરસાદ અને અંતિમ સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ પડે એવું સૂર્યના નક્ષત્ર પરિવર્તન, વાહન પરથી માનવામાં આવી રહ્યું છે.
સૂર્યેદવનું નક્ષત્ર પરિવર્તન અને વરસાદનો વરતારો
13 સપ્ટેમ્બરે ઉત્તરા ફાલ્ગુનીમાં પ્રવેશ-બુધવાર, ચંદ્રનક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની. વાહન-હાથી. નદી-નાળા છલોછલ થાય.
27 સપ્ટેમ્બરે હસ્તમાં પ્રવેશ-બુધવાર, ચંદ્રનક્ષત્ર-શતતારા. વાહન-દેડકો. છૂટોછવાયો અને સારો વરસાદ રહે.
11 ઓક્ટોબરે ચિત્રામાં પ્રવેશ -બુધવાર, ચંદ્ર નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની. વાહન-ઉંદર. પવન સાથે વરસાદ રહે.
24 ઓક્ટોબરે સ્વાતિમાં પ્રવેશ - મંગળવાર, ચંદ્ર નક્ષત્ર-શતતારા. વાહન અશ્વ. છૂટો છવાયો અને સારો વરસાદ રહે.