આજે શરદપૂનમની રાત્રીએ લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરીને ગરબાના શોખીનો ગરબે ઘૂમશે. સાથે જ આગામી પંદર દિવસ તહેવારોની વણઝાર ચાલવાની છે. ખાસ તો આ વખતે નવલી નવરાત્રિ પછીના 15 દિવસમાં જ દિવાળી અને બેસતુ વર્ષ આવી જતા ઓક્ટોબર મહિનો જ તહેવારોની હારમાળા સર્જાઇ છે.


ચંદ્રપ્રકાશમાં મુકેલા દૂધ-પૌંઆ, ખીર આરોગવાનું ભારે મહાત્મ્ય

ગુજરાતના હિન્દુઓની પરંપરા પ્રમાણે શરૂ થતા તહેવારોમાં 16 ઓક્ટોબરને બુધવારે આજે કોઝાગરી પૂર્ણિમા, શરદપૂર્ણિમા કે પૌહા પૂનમ છે. ભગવાન કૃષ્ણ રાત્રે ગરબાની રમઝટ બોલાવે છે. શરદપૂનમે ચંદ્રમાં સોળે કળાએ ખીલે છે. વર્ષમાં એક જ દિવસ એવો છે કે ચંદ્ર પણ સોળે કળાએ ખીલ્યો હોવાના દૃશ્યો દેખાઈ છે. સાથે જ આ દિવસની રાત્રીએ માતા લક્ષ્મી અને ઇન્દ્ર ઐરાવત પર સવાર થઇને પૃથ્વીના ફેરા પર આવે છે. આ રાત્રીએ ઘરમાં ઘીનો દીવો, સુગંધિત ધૂપ અને પીપળાના વૃક્ષ પાસે દીવો કરવામાં આવતા તે ઘરમાં લક્ષ્મી વાસ કરે છે.

આજે શરદપૂર્ણિમા, હવે દિવાળી બેસતા વર્ષ આડે 15 દિવસ બાકી રહ્યાં

આ પર્વ નિમિત્તે રાત્રિએ પરંપરાગત રીતે ચંદ્રપ્રકાશમાં મૂકેલા દૂધ- પૌંઆ, ખીર આરોગવાનું ભારે મહાત્મ્ય ગણાય છે. ગત વર્ષે શનિવારે શરદપૂર્ણિમાની ઉજવણીએ ચંદ્રગ્રહણ હોવાથી શરદપૂનમની રાત્રિએ લક્ષ્મી પૂજા થઇ ન હતી. આ વખતે શરદપૂનમની રાત્રિએ પૂજા- અર્ચના કરવી જોઈએ. શરદપૂનમની રાત્રીએ ઘણી જગ્યાએ ગરબાનું આયોજન થાય છે ખેલૈયાઓ મનમુકીને રાસ-ગરબે રમશે. આ સાથે મહિનાના અંત અને નવેમ્બરના શરૂઆતના બીજા જ દિવસે હિન્દુ ધર્મ પ્રમાણે નવું વર્ષ બેસી જશે.

શરદપૂનમથી બેસતા વર્ષ સુધીના તહેવારો

16/10/2024- શરદ પૂર્ણિમા

17/10/2024- ચંદી પડવો

20/10/2024- કડવા ચોથ (કરવા ચોથ)

24/10/2024- ગુરુ પૃષ્યામૃત

28/10/2024- વાઘ બારસ અને એકાદશી

29/10/2024- ધનતેરસ

30/10/2024-કાળી ચૌદશ

31/10/2024-કાળી ચૌદશ ( બપોરના 03.54 સુધી)

31/10/2024-દિવાળી ( બપોરના 03.54 પછી )

01/11/2024-દિવાળી (ઘોકો, પડતર દિવસ)

02/11/2024-બેસતુ વર્ષ

વર્ષો પછી દોઢ દિવસની કાળી ચૌદસ અને દિવાળીનો સંયોગ

વર્ષો પછી આ વર્ષે દોઢ દિવસની કાળી ચૌદસ અને દિવાળીનો અનોખો સંયોગ થયો છે. આ સંયોગ ભારતના પશ્ચિમ ભાગના રાજ્યોમાં બન્યો છે. ત્યારે પૂર્વ ભાગના રાજ્યોમાં બે દિવસની કાળી ચૌદશ અને એક દિવસની દિવાળીનો સંયોગ થયો છે. 30 ઓકટોબરના રોજ કાળી ચૌદસ અને 31 ઓકટોબરના બપોરના 03.54 સુધી દોઢ દિવસ કાળી ચૌદસ તિથી પ્રમાણે છે. 31 ઓકટોબરના બપોરના 03.54 વાગ્યાથી અમાસ બેસી જતા દિવાળીની ઉજવણી કરવામાં આવશે. 1 નવેમ્બરના રોજ પણ દિવાળી એટલે દોઢ દિવસ દિવાળી ઉજવાશે. પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સમયમાં ફેરફારના કારણે આ વખતે આવો સંયોગ થયો છે. પશ્ચિમ ભાગના રાજ્યો ગુજરાત, રાજસ્થાન, કેરળ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ અને તમિલનાડુમાં દોઢ દિવસની કાળી ચૌદસ અને દિવાળી રહેશે. બાકીના પૂર્વ ભાગના રાજ્યોમાં બે દિવસની કાળી ચૌદશ અને એક દિવસની દિવાળી રહેશે. તો કેટલાક વિસ્તારમાં દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ એટલે કે ઘોકો પાળશે.


  • Follow us on: