• ભગવાન શંકરનાં અશ્રુબુંદ ધરતી પર પડ્યાં અને રુદ્રાક્ષનું સર્જન થયું
  • રુદ્રાક્ષ એકમુખી, પંચમુખી એમ અનેક પ્રકારના હોય છે
  • રાશિ અનુસાર ધારણ કરો રુદ્રાક્ષ

ભગવાન શંકરનાં અશ્રુબુંદ ધરતી પર પડ્યાં અને રુદ્રાક્ષનું સર્જન થયું. રુદ્રાક્ષ એકમુખી, પંચમુખી એમ અનેક પ્રકારના હોય છે. બધા જ રુદ્રાક્ષ આરોગ્ય, ધન અને યશની પ્રાપ્તિ કરાવે છે. રુદ્રાક્ષના પ્રકાર મુજબ તેની રાશિ હોય છે. તમારી રાશિને અનુરૂપ તેમજ ઉત્તમ હોય તેવો રુદ્રાક્ષ ધારણ કરે તો ફળની પ્રાપ્તિ તાત્કાલિક થાય છે.

એકમુખી રુદ્રાક્ષ

રુદ્રાક્ષને કોઈપણ વ્યક્તિ ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ સાક્ષાત્ ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી યશ, માન, પ્રતિષ્ઠા, ધન, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. વિશેષરૂપે આ રુદ્રાક્ષ મોક્ષ આપનાર છે.

મેષ અને વૃશ્ચિક રાશિ

ચૌદમુખી રુદ્રાક્ષ મેષ અને વૃશ્ચિક રાશિના લોકો માટે ઉત્તમ છે. આથી આ રાશિવાળી વ્યક્તિઓએ તેને ધારણ કરવો જોઈએ. ચૌદમુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી બળ, બુદ્ધિ, ધન, પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.

વૃષભ અને તુલા રાશિ

આ રાશિના લોકો માટે તેરમુખી રુદ્રાક્ષ ઉત્તમ રહે છે. આ રુદ્રાક્ષ દેવરાજ ઈન્દ્રનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને વૃષભ અને તુલા રાશિના લોકો ધારણ કરી શકે છે. તેને ધારણ કરવાથી ભોગ, ઐશ્વર્ય, સ્વાસ્થ્ય વગેરેનો લાભ પ્રાપ્ત થાય છે.

મિથુન અને કન્યા રાશિ

દસમુખી રુદ્રાક્ષ મિથુન અને કન્યા રાશિના લોકો માટે ઉત્તમ રહે છે. આ રુદ્રાક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષને બુધની રાશિ મિથુન અને કન્યા રાશિના લોકો ધારણ કરે તો બુદ્ધિ, વિદ્યા, ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે પંચમુખી રુદ્રાક્ષ યોગ્ય રહે છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી માનસિક શાંતિ, સંપત્તિમાં વૃદ્ધિ, ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.

સિંહ રાશિ

બારમુખી રુદ્રાક્ષ સિંહ રાશિના લોકો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષને આદિત્યોનું સ્વરૂપ માનવામાં આવે છે. સિંહ રાશિના લોકો તેને ધારણ કરે તો તેમનું આયુષ્ય, આરોગ્ય, યશ, માન-પ્રતિષ્ઠા વધે છે.

ધન અને મીન રાશિ

ધન અને મીન રાશિના લોકો માટે ચારમુખી રુદ્રાક્ષને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને ગુરુ ગ્રહની રાશિવાળા લોકો ધારણ કરી શકે છે. તેને ધારણ કરવાથી ધન, ઐશ્વર્ય, વિદ્યા, બુદ્ધિ તથા સ્વાસ્થ્યલાભની પ્રાપ્તિ થાય છે.

મકર અને કુંભ રાશિ

મકર અને કુંભ રાશિના લોકો માટે સાતમુખી અને નવમુખી રુદ્રાક્ષ ઉત્તમ રહે છે. સાતમુખી રુદ્રાક્ષ મહાસેન અનંતનું સ્વરૂપ છે તથા નવમુખી રુદ્રાક્ષને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે. મકર અને કુંભ રાશિના લોકો આ બંને રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. તેને ધારણ કરવાથી સ્વાસ્થ્ય, ધન, યશ, સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

રૂદ્રાક્ષને ધારણ કરવાની વિધિ

રુદ્રાક્ષને પંચામૃતથી શુદ્ધ કરીને અથવા ગંગાજળથી શુદ્ધ કરીને ધૂપ અને દીપથી પૂજન કરીને સોના અથવા ચાંદીની ચેન કે દોરામાં સોમવારે ધારણ કરવો તે પછી `ૐ નમ: શિવાય' મંત્રના 108 વખત તેની સન્મુખ જપ કરવા.


  • Follow us on: