• બંને પ્રદેશોમાં 15 દિવસનો તફાવત હોવા છતાં દરેક તહેવારો એક જ દિવસે આવે
  • ફરક માત્ર વદ અને સુદનો જ હોય છે
  • હિંદુ પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે

ગુજરાતમાં શ્રાવણ મહિનો આવે એ પહેલાં સમાચારપત્રોમાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઝારખંડમાં આવેલા વૈજનાથ મહાદેવ તેમજ ઉજ્જૈનમાં આવેલા મહાકાલમાં શ્રાવણ મહિનાની ભીડના સમાચાર જોવા મળે છે. આ સમાચાર જાણીને આપણને મનમાં પ્રશ્ન થાય કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલાં કેમ આવે છે? ગુજરાતમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રમાં આવેલાં ચાર જેટલાં જ્યોતિર્લિંગ, તેવી જ રીતે દક્ષિણ ભારતના કોઈ પણ જ્યોતિર્લિંગના સમાચાર એ વખતે જોવા મળતા નથી, કારણ કે એ વખતે દક્ષિણનાં રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થયેલો હોતો નથી. આવું કેમ?

ભારતમાં ચંદ્ર પર આધારિત પંચાંગ પ્રચલિત છે

હિંદુ પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. જ્યારે ચંદ્રની કળા વધતી વધતી પૂનમ સુધી જાય છે તેને શુક્લ પક્ષ કહેવામાં આવે છે. તેવી જ રીતે ચંદ્રની કળા ઘટતી જાય તેને કૃષ્ણ પક્ષ કહે છે. તેથી શુક્લ પક્ષનો અંતિમ દિવસ પૂનમ કહેવાય છે. તેવી જ રીતે કૃષ્ણ પક્ષના અંતિમ દિવસને અમાસ કહેવામાં આવે છે. ભારતમાં ચંદ્ર પર આધારિત પંચાંગ પ્રચલિત છે. તેના બે પ્રકાર છે. એક અમાંત પંચાંગ અને બીજું પૂર્ણિમાંત પંચાંગ. જો મહિનાના પહેલા પંદર દિવસ કૃષ્ણ પક્ષ હોય અને અંતિમ પંદર દિવસ શુક્લ પક્ષ હોય તો પંચાંગ પૂર્ણિમાંત તરીકે ઓળખાય છે. આ પંચાંગ ઉત્તર ભારતના પ્રદેશોમાં પ્રચલિત છે.

એક અમાંત પંચાંગ અને બીજું પૂર્ણિમાંત પંચાંગ

શુક્લ પક્ષ સુદ અથવા અજવાળિયું તરીકે પણ ઓળખાય છે અને કૃષ્ણ પક્ષ વદ અથવા અંધારિયું તરીકે પણ ઓળખાય છે. જો મહિનાના પહેલા પંદર દિવસ શુક્લ પક્ષ હોય અને પછીના પંદર દિવસ કૃષ્ણ પક્ષના હોય તો મહિનાનો અંત અમાસના દિવસે થાય છે. તેથી આ પ્રકારના પંચાંગને અમાંત પંચાંગ કહેવાય છે. આ પંચાંગ આપણા ગુજરાત રાજ્ય સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રચલિત છે. તમે જોશો તો અમાંત પંચાંગ અને પૂર્ણિમાંત પંચાંગની ગણતરીમાં 15 દિવસનો ફેર છે. આમ, ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં આવે છે.

  • Follow us on: