• બેડરૂમમાં કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક ઉપકરણ રાખવાં નહીં
  • બેડરૂમમાં ટીવી રાખવાથી પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય કે પ્રેમ ઓછો રહે છે
  • પતિ-પત્ની બંને પર બેડરૂમનો પ્રભાવ પડતો હોય છે

બેડરૂમમાં બધી જ બાબતો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અનુસરવામાં આવી હોય તો સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે. તેનાથી શાંતિ અનુભવાય છે. બેડરૂમ એ ઘરનું એક અગત્યનું સ્થાન છે. જ્યાં પતિ-પત્ની વધુમાં વધુ સમય પસાર કરે છે. રાત્રે બેડરૂમ આખો દિવસ કામ કરીને થાક્યા પછી શરીર અને મગજને આરામ અને શાંતિ આપે છે તથા ઊંઘ માટેનું જરૂરી સાનુકૂળ વાતાવરણ ઊભું કરી આપે છે. આમ, બેડરૂમમાંથી વ્યક્તિને શારીરિક અને માનસિક ઊર્જાની પ્રાપ્તિ થાય છે. પતિ-પત્ની બંને પર બેડરૂમનો પ્રભાવ પડતો હોય છે. બેડરૂમની સજાવટ એ પતિ-પત્ની વચ્ચે મધુરતાના સેતુનું કામ કરે છે. આટલું બધું મહત્ત્વ ધરાવતો હોવાને કારણે બેડરૂમને વાસ્તુ પ્રમાણે બનાવવો જોઈએ.

માસ્ટર બેડરૂમ આ ખુણે રાખવો

માસ્ટર બેડરૂમ એટલે ઘરની મુખ્ય વ્યક્તિનું પોતાનું આગવું એક નિવાસસ્થાન. તે ઘરના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા)માં હોવું સર્વશ્રેષ્ઠ રહે છે. જો તે શક્ય ન હોય તો વિકલ્પ તરીકે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણામાં રાખવું જોઈએ. જો ઘર બે-કે ત્રણ માળનું હોય તો બીજા માળે દક્ષિણ-પશ્ચિમમાં માસ્ટર બેડરૂમ રાખવો જોઈએ. દક્ષિણ-પશ્ચિમનો બેડરૂમ સ્થિરતા આપે છે તથા મહત્ત્વના મુદ્દાઓને હિંમતપૂર્વક ઉકેલવાની શક્તિ પ્રદાન કરે છે.

બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) અથવા પશ્ચિમ દિશામાં ગોઠવવો યોગ્ય રહે છે.

અવિવાહિત યુવકનો બેડરૂમ પૂર્વ અથવા ઉત્તરમાં બનાવવો જોઈએ. વિવાહયોગ્ય કન્યાનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)માં રાખવો જરૂરી બને છે. ઉત્તર-પશ્ચિમમાં કન્યાનો બેડરૂમ હોય તો તેના વિવાહ યોગ્ય સમયે જલદી ગોઠવાઈ જાય છે.

ઈશાન ખૂણામાં બેડરૂમ હોય તો દરેક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

ગેસ્ટરૂમ ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અથવા ઉત્તરમાં બનાવી શકાય. ઉત્તર-પશ્ચિમમાં જો ગેસ્ટરૂમ હોય તો મહેમાનના શીઘ્ર પરત ન ફરવાની શક્યતા વધુ રહે છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમનો બેડરૂમ મહેમાનો માટે ક્યારેય રાખવો જોઈએ નહીં, નહીં તો આવેલા મહેમાન ઘરમાં લાંબા સમય સુધી રહે છે જે ઘરના લોકો માટે પ્રતિકૂળ થઈ પડે છે. ઉત્તર-પૂર્વ (ઈશાન)માં કોઈ પણ બેડરૂમ બનાવવો જોઈએ નહીં. ઉત્તર-પૂર્વ દિશામાં દેવી-દેવતાઓનું સ્થાન હોય છે. ઈશાન ખૂણામાં બેડરૂમ હોય તો દરેક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંતાનોના સંબંધ-વિવાહમાં બહુ વિલંબ થાય છે, જેથી ઈશાન ખૂણામાં માત્ર પૂજાઘર જ યોગ્ય રહે છે.


  • Follow us on: