- ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશા છે
- ઉત્તર દિશા સ્વચ્છ, સુંદર અને ઓછા વજનની રાખવી
- આ દિશા પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે.
આજના યુગમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે આર્થિક સંકડામણ અનુભવે છે. ઘણું કમાવા છતાં પૈસા ટકતા નથી. મોજશોખ, દવાખાનાં કે ધંધામાં ખોટ પાછળ ભેગું કરેલું બધું જ ધન વેડફાઈ જાય છે. જો આવું હોય તો સમજવું કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશામાં વાસ્તુદોષ છે. દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘરમાં વાસ્તુદોષને દૂર કરવા આ ઉપાય કરી લો.
ઉત્તર દિશા ઉત્તરોત્તર પ્રગતિની દિશા તરીકે ઓળખાય છે. આ દિશાનું ખૂબ જ મહત્ત્વ છે. ઉત્તર દિશામાંથી આપણને જૈવિક ઊર્જા મળે છે. જો જગ્યાની ઊર્જા વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ શુભ કે હકારાત્મક હશે તો ક્યારેય નુકસાન થવાની શક્યતા રહેતી નથી, પરંતુ જ્યારે અશુભ કે નકારાત્મક ઊર્જાનું સર્જન થતું હશે ત્યારે દરેક ક્ષેત્રમાં સતત નુકસાન જોવા મળે છે. આવા સંજોગોમાં વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન મેળવીને હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરવી ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણિત ઉત્તર દિશા વિશે જાણીએ.
ઉત્તર દિશા સ્વચ્છ, સુંદર અને ઓછા વજનની રાખવી
ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશા છે. આ દિશા પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે. ઉત્તર દિશામાં 81 પદના વાસ્તુમાં કુબેરના પદમાં મુખ્ય દરવાજો રાખવાથી આર્થિક સંપત્તિમાં વધારો થાય છે. ઉત્તર દિશા સ્વચ્છ, સુંદર અને ઓછા વજનની રાખવી. ઉત્તર દિશામાં લોન (બગીચો) અથવા ખુલ્લી જગ્યા રાખવી જોઈએ. પાણીની નહેર, નાળું, તળાવ ઉત્તર દિશા બાજુ હોય તો શુભ ફળ મળે છે.
ખૂણો કપાતો હોય તો વિકાસ-પ્રગતિ અટકે છે
ઘર, ઉદ્યોગ કે ધંધાના સ્થળે ઉત્તર દિશામાં ઈશાન ખૂણો કપાતો હોય તો વિકાસ-પ્રગતિ અટકે છે અને તંદુરસ્તી કથળે છે. કોઈ પણ જગ્યામાં વાયવ્ય ખૂણો ઉત્તર દિશામાં વધ્યો હોય તો માનસિક અશાંતિ, અનિદ્રા સતાવે છે. માલની ચોરી અને આર્થિક નુકસાન થાય છે. ઉત્તર દિશામાં ઢાળ હોય તો કુબેરની આશિષ મળે છે, ધન-સમૃદ્ધિ સાંપડે છે. વ્યાપાર, બુદ્ધિ, પ્રતિષ્ઠા અને વંશમાં વૃદ્ધિ થાય છે. સુખ-શાંતિ મળે છે. ઉત્તર દિશામાં જમીન ઊંચી હોય તો ધનહાનિ થાય છે. ધંધામાં ખોટ જાય તથા આર્થિક સંકડામણ અનુભવવી પડે છે.
નૈઋત્ય ખૂણામાં ઢાળ હોય તો વ્યક્તિ રાજકારણ ક્ષેત્રે નામના મેળવે
ઉત્તર દિશામાં, નૈઋત્ય તથા અગ્નિ ખૂણામાં ઊંચાણવાળો ભાગ હોય અને ઢાળ પૂર્વ દિશામાં તથા વાયવ્યમાં હોય તો આવી જગ્યામાં ઉદ્યોગ-ધંધામાં વ્યક્તિ ક્યારેય સુખી થશે નહીં. તેની પાસે ધન ટકતું નથી. ઉત્તર દિશામાં ઊંચાણવાળો ભાગ અને અગ્નિ તથા નૈઋત્ય ખૂણામાં ઢાળ હોય તો વ્યક્તિ રાજકારણ ક્ષેત્રે નામના મેળવે છે. ચાણક્ય જેવો સ્વભાવ અને બુદ્ધિથી પોતાનું કામ ગમે તેમ કઢાવી લે છે. ઉત્તર દિશા બાજુ મુખ્ય રસ્તો એટલે કે રોડ હોય તો વેપાર-ધંધા માટે, શેરબજાર માટે, બેંક ફાઈનાન્સિયલ સંસ્થાઓ માટે શુભ છે.
તંત્રવાસ્તુના ઉપાયો
જો ઉત્તર દિશામાં યોગ્ય ગોઠવણ ન હોય અને ફેરફાર કરવા પણ શક્ય ન હોય ત્યારે આ પ્રમાણેના ઉપાયો અજમાવીને ઉત્તર દિશાના દોષ દૂર કરી શકાય. ઉત્તર દિશામાં વાસ્તુદોષ હોય તો પૂજામાં કુબેરયંત્ર, શ્રીયંત્ર રાખી શ્રી સૂક્તનો પાઠ તથા કુબેર મંત્રનો જાપ કરવો. ઉત્તર દિશામાં લીલા કલરનો બલ્બ હંમેશાં ચાલુ રાખવો. ઉત્તર દિશામાં તુલસી, શ્રી પર્ણીના છોડ ઉગાડવા.