- દિવાસાનાં દિવસથી લઈને દેવદિવાળી સુધીનાં અંદાજે 100 દિવસો થાય
- આ 100 દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા, દિવાળી એમ અનેક તહેવારોની હેલી સર્જાતી હોય
- દિવાસાનાં દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે
દિવાસો એટલે સો પર્વનો વાસો પણ માનવામાં આવે છે. આજનાં દિવાસાનાં દિવસથી લઈને દેવદિવાળી સુધીનાં અંદાજે 100 દિવસો થાય છે. આ 100 દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા, દિવાળી એમ અનેક તહેવારોની હેલી સર્જાતી હોય છે. દિવાસાનાં દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાનાં દિવસે પૂર્ણ થાય છે.
દિવાસાનું જાગરણ અષાઢ મહિનાનાં અંતિમ દિવસે કરાય
દિવાસાનું જાગરણ અષાઢ મહિનાનાં અંતિમ દિવસ એટલે કે અમાસનાં દિવસે કરવામાં આવે છે જેમાં જયાપાર્વતીનાં વ્રત મુજબ જ જવારાની વાવણી કરાય છે.
કુંવારી અથવા નવપરિણીતાં એવરતનું વ્રત રાખે
કુંવારી અથવા નવપરિણીતાં એવરતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. આમ તો આ બંને વ્રત પરિવારનાં સારાં સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે કરાય છે. આપણા શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ 24 કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ 36 કલાકનું હોય છે. આ વ્રત એટલે કઠિન છે કે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે.
મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે
દિવાસાનાં દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાનાં બીજા દિવસે એટલે કે શ્રાવણનાં પહેલાં દશામાનાં વ્રતની શરૂઆત થાય છે. ભકતો અષાઢી અમાસ હોઈ દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથેસાથે 10 દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભકિત કરે છે.
પિતૃઓ અમાસનાં દિવસે ધરતી પર પોતાના પરિજનોને જોવા માટે આવે છે
પિતૃઓ અમાસનાં દિવસે ધરતી પર પોતાના પરિજનોને જોવા માટે આવે છે એવી માન્યતા છે. આપણે ત્યાં અમાસનાં મહત્વની સાથે સાથે પીપળાનાં પૂજનનો પણ અનેરો મહિમા અને મહત્વ છે. પૃથ્વીની તમામ વનસ્પતિ માનવ જાત માટે પરમ કલ્યાણકારી છે. પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉદ્ધારક માનવામા આવે છે. પીપળાનાં વૃક્ષને વિષ્ણુ સ્વરુપ પણ માનવામાં આવે છે. આ વ્રતને દિવાસાનુ વ્રત પણ કહેવાય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એવરત અને જીવરત મા અખંડ સૌભાગ્ય આપી જીવનમાં ખુશી આપે છે.